Asian Games 2023 : યશસ્વી જયસ્વાલે નેપાળ સામે કીર્તિમાન સ્થાપ્યો, સદી ફટકારનાર સૌથી યુવા ભારતીય ખેલાડી બન્યો

October 03, 2023

ભારતીય ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે એશિયન ગેમ્સ 2023માં નેપાળ સામે ક્વાર્ટર ફાઈનલમાં શાનદાર સદી ફટકારી ઈતિહાસ રચી દીધો છે. તે T20 ઇન્ટરનેશનલમાં ભારત માટે સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બની ગયો છે. યશસ્વી પહેલા આ રેકોર્ડ શુભમન ગિલના નામે હતો. જયસ્વાલે 49 બોલમાં 100 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ તે એશિયન ગેમ્સમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી પણ બની ગયો છે. યશસ્વી જયસ્વાલે નેપાળ સામે 21 વર્ષ 279 દિવસની ઉંમરે સદી ફટકારી જયારે શુભમન ગિલે ન્યુઝીલેન્ડ સામે આ વર્ષે જ 23 વર્ષ 146 દિવસની ઉમરે સદી ફટકારી હતી. જયસ્વાલ અને ગિલ ઉપરાંત આ લિસ્ટમાં પૂર્વ ભારતીય ખેલાડી સુરેશ રૈના અને કે.એલ રાહુલનું નામ પણ સામેલ છે. રૈનાએ 23 વર્ષ 156 દિવસની ઉંમરમાં દક્ષિણ આફ્રિકા સામે સદી ફટકારી હતી, જયારે કે.એલ રાહુલે 24 વર્ષ 131 દિવસની ઉંમરે વર્ષ 2016માં વેસ્ટ ઇન્ડિઝ સામે આ કીર્તિમાન સ્થાપિત કર્યું હતું. ક્વાર્ટર ફાઈનલમાં ભારતે નેપાળને 23 રનથી હરાવ્યું હતું. ભારતે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે 20 ઓવરમાં 4 વિકેટના નુકશાને 202 રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલની સદી ઉપરાંત ભારતીય ટીમના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ અને શિવમ દુબેએ 25-25 રન બનાવ્યા હતા. જયારે રિન્કુ સિંહે 15 બોલમાં 37 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા નેપાળની ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 179 રન જ બનાવી શકી હતી. ભારત માટે રવિ બિશ્નોઈ અને આવેશ ખાને 3-3 વિકેટ ઝડપી હતી. જયારે અર્શદીપ સિંહને 2 વિકેટ અને સાંઈ કિશોરને એક વિકેટ મળી હતી.