પંચમહાલની વાવકુલ્લી-2 દેશની શ્રેષ્ઠ પંચાયત, મુર્મૂના હસ્તે ઍવૉર્ડ એનાયત

December 13, 2024

પંચમહાલ : ગુજરાતે રાષ્ટ્રીય પંચાયત ઍવૉર્ડ્સ 2024માં તેની શ્રેષ્ઠતા પુરવાર કરીને સમગ્ર દેશમાં સુશાસનનો સર્વશ્રેષ્ઠ દાખલો બેસાડ્યો હતો. પંચમહાલ જિલ્લાની વાવકુલ્લી-2 ગ્રામ પંચાયતે દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઍવૉર્ડ (DDUPSVP) થીમ અંતર્ગત સુશાસન યુક્ત પંચાયત શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 11 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ડૉ. ગૌરવ દહિયા, એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર (ગુજરાત સરકાર)ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હસ્તે ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર 2024 માટે 1.94 લાખ ગ્રામ પંચાયતોએ ભાગ લીધો હતો, જેમાંથી 45 પંચાયત વિજેતા થઈ હતી. રસપ્રદ વાત એ છે કે, આ પૈકી 42% પંચાયતોનું નેતૃત્વ મહિલાઓ કરે છે.


ગુજરાત સામાન્ય રીતે તેના શહેરી વિકાસ માળખાના કારણે દેશમાં જાણીતું છે. જો કે, ગુજરાતને મળેલા આ સન્માનથી એ સાબિત થઈ ગયું છે  ગુજરાતમાં શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પંચાયત સ્તરે પણ વહીવટી વ્યવસ્થા સુધરી રહી છે. ગુજરાતના આદિવાસી જિલ્લા પંચમહાલની વાવકુલ્લી-2 ગ્રામ પંચાયતને મળેલો આ ઍવૉર્ડ વર્ષ 2022-23માં નાગરિક કેન્દ્રિત સુવિધાઓ બાબતે કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપવામાં આવ્યો છે.