કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ, ગત અઠવાડિયે જ થયું હતું ઓપનિંગ

July 10, 2025

કોમેડિયન કપિલ શર્માને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. કેનેડામાં કપિલ શર્માના કાફેમાં Kap’s પર 10થી 12 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આશ્ચર્યજનક વાત એ છે કે કપિલનો આ કાફે થોડા દિવસ પહેલા જ ખુલ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ કારમાંથી રાત્રે કાફેની બારીઓ પર ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. તે વ્યક્તિ કારમાં છે અને આ વીડિયો પણ ત્યાંથી જ બનાવવામાં આવ્યો છે. હુમલા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જો કે, આ સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. બીજી તરફ કપિલ કે ગિન્ની તરફથી તેના પર કોઈ સ્ટેટમેન્ટ જાહેર કરાયું નથી. 

કેનેડામાં કપિલ શર્માના કેફે પર ફાયરિંગની જવાબદારી ખાલિસ્તાની આતંકવાદી હરજીત સિંહ લડ્ડીએ લીધી છે. હરજીત સિંહ લડ્ડી NIAની મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની યાદીમાં સામેલ છે. જે BKI (બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ)થી જોડાયેલો છે. સૂત્રોના અનુસાર, લડ્ડીએ કપિલ શર્માના કોઈ જૂના નિવેદનને લઈને આ હુમલાને અંજામ આપ્યાની વાત કહી છે. જો કે, એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે કપિલ શર્માના કેફે આ હુમલામાં નિશાન હતું કે માત્ર તેમને ધમકી આપવાનો પ્રયાસ હતો.