ઐતિહાસિક રૅકોર્ડ: ચાંદી પ્રથમવાર ₹4 લાખને પાર, સોનામાં ₹15,943નો તોતિંગ ઉછાળો

January 29, 2026

વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓની માગમાં થયેલા પ્રચંડ વધારાને કારણે ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે ઐતિહાસિક રૅકોર્ડ સર્જાયો છે. 29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીએ ઇતિહાસ રચતાં પ્રથમવાર ₹4,00,000ની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે. 

MCX પર ચાંદીનો વાયદો ₹3,99,000ના ભાવે ખૂલ્યો હતો અને જોતજોતામાં ₹4,07,456ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. અગાઉના ₹3,85,366ના બંધ ભાવની સરખામણીએ ચાંદીમાં આજે કુલ ₹16634(+4.32%)નો જંગી ઉછાળો નોંધાયો છે.

બીજી તરફ, સોનાના ભાવમાં પણ રોકાણકારોને સ્તબ્ધ કરી દે તેવી તેજી જોવા મળી છે. MCX પર સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,82,467ના ભાવે ખૂલ્યું હતું. કારોબાર દરમિયાન સોનું ₹1,93,096ના ઓલ-ટાઇમ હાઇ લેવલ પર પહોંચ્યું હતું, જે અગાઉના ₹1,77,153ના બંધ ભાવ સામે કુલ ₹15,943 (+8.95%)નો વધારો દર્શાવે છે. હાલમાં સોનું ₹1,93,000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.

બજારના નિષ્ણાતોના મતે, આ તેજી પાછળ અનેક વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે. વિશ્વમાં યુદ્ધના ભણકારા અને ડૉલરની વધતી જતી વેલ્યુને કારણે પણ સોના ચાંદી તરફ લોકો આકર્ષાઈ રહ્યા છે. લોકો ખાસ કરીને સેફ એસેટ્સ તરીકે સોના-ચાંદીને જોઈ રહ્યા છે.