WTC ફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં બબાલ, ડેવિડ વોર્નરે આપ્યું મોટું નિવેદન

June 03, 2023

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પહેલા ઓસ્ટ્રેલિયા ક્રિકેટમાં હંગામો મચી ગયો છે. ટીમના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નરે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડ પર આકરા પ્રહારો કર્યા હતા. એક ઈન્ટરવ્યુમાં વોર્નરે કહ્યું હતું કે બોર્ડે જે રીતે મારી કેપ્ટનશીપ પરના પ્રતિબંધ પર કામ કર્યું છે તે અપમાનજનક છે. બોર્ડે મામલો શાંત કરવાને બદલે તેને વધુ લંબાવ્યો છે જે ખૂબ જ નિરાશાજનક છે. આવું બિલકુલ ન થવું જોઈએ.

વોર્નર પર વર્ષ 2018માં કેપ્ટનશીપ માટે આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તેની આચારસંહિતામાં કેટલાક ફેરફારો કર્યા હતા, જે અંતર્ગત વોર્નર પર લાગેલા પ્રતિબંધને હટાવવાની અપીલ કરવામાં આવી હતી. જોકે બોર્ડે હજુ સુધી તેની અપીલ પર સંપૂર્ણ રીતે કોઈ નિર્ણય આપ્યો નથી. પોતાના ઈન્ટરવ્યુમાં વોર્નરે કહ્યું, 'આ સમગ્ર મામલાને કારણે હું મારી રમત પર ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. ટેસ્ટ મેચ દરમિયાન મને સતત ફોન આવતા હતા અને રમત પર ધ્યાન આપવાને બદલે મારે વકીલો સાથે વાત કરવી પડતી હતી. તે મારા માટે અપમાનજનક છે અને હું ખૂબ જ નિરાશ છું.