બિહાર વિધાનસભાની ચૂંટણી જાહેરઃ 6 અને 11 નવેમ્બરે મતદાન, 14મીએ યોજાશે મત ગણતરી

October 06, 2025

બિહારમાં કુલ 243 વિધાનસભા બેઠક માટે  બે તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 6 નવેમ્બરના રોજ અને બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બરના રોજ યોજાશે. ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ગેજેટ નોટિફેકશન 10 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવશે. ઉમેદવારો 17 ઓક્ટોબર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારી માટે સ્ક્રુટની 22 ઓક્ટોબરના બુધવારે થશે. 24 ઓક્ટોબર સુધી ઉમેદવારી પાછી ખેંચી શકાશે. 6 નવેમ્બરે ચૂંટણી યોજાશે. બીજા તબક્કાની ચૂંટણી 11 નવેમ્બર યોજાશે. આ બંને તબક્કા પૂર્ણ થયા બાદ 14 નવેમ્બરે મત ગણતરી હાથ ધરાશે.

બિહાર વિધાનસભા ચૂંટણી પંચના અધિકારીઓએ ગઈકાલે 5 ઓક્ટોબરના રોજ પટનાની મુલાકાત લઈ તમામ માહિતી એકત્ર કરી હતી. આ વખતે બિહાર વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં કરવાની માગ ઉઠી હતી. ભાજપ અને આરજેડી બંને પક્ષોએ ચૂંટણી પંચ સમક્ષ માગણી કરી હતી કે, ચૂંટણી બે તબક્કામાં યોજાય.

અગાઉ 2020માં બિહાર વિધાનસભા ચૂંટણી ત્રણ તબક્કામાં થઈ હતી. 28 ઓક્ટોબર, 2020ના રોજ પ્રથમ તબક્કો, 3 નવેમ્બર, 2020ના રોજ બીજો અને 7 નવેમ્બર, 2020ના રોજ ત્રીજા તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ હતી. જેની મત ગણતરી 10 નવેમ્બર, 2020ના રોજ થઈ હતી. તે સમયે ત્રણ તબક્કામાં ચૂંટણી કરાવવા પાછળનું ગણિત રાજ્યના અમુક હિસ્સામાં નક્સલી અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ હતી.

ચૂંટણી પંચના આંકડા અનુસાર, બિહારમાં કુલ 7.43 કરોડ મતદારો છે. જેમાં આશરે 3.92 કરોડ પુરૂષ, 3.50 કરોડ મહિલા અને 1725 ટ્રાન્સજેન્ડર સામેલ છે. 7.2 લાખ દિવ્યાંગ અને 4.04 લાખ 85 વર્ષથી વધુ વયજૂથના મતદારો સામેલ છે. તદુપરાંત 14 હજાર મતદાર 100 વર્ષ કે તેથી વધુ વય ધરાવે છે. આ વર્ષે 14.01 લાખ યુવાનો પ્રથમ વખત મત આપશે. આ તમામ આંકડા 30 સપ્ટેમ્બર, 2025 સુધીના છે.

બિહાર વિધાનસભા ચૂંટણી કાર્યને શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રૂપે પાર પાડવા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વખતે 500થી વધુ અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવશે, જેથી કોઈપણ પ્રકારની હિંસા કે અવ્યવસ્થાની સ્થિતિ ન સર્જાય. ચૂંટણી પંચે રાજ્યના તમામ જિલ્લામાં સંવેદનશીલ અને અત્યંત સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી છે. જે વિસ્તારોમાં પહેલાંથી તણાવ અને હિંસાની ઘટના બની છે, ત્યાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

બિહાર વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષના મહાગઠબંધને બેઠકની ફાળવણી મુદ્દે વાતચીતનો દોર શરૂ કરી દીધો છે. આવતીકાલે તેના પર અંતિમ નિર્ણય લે તેવી શ્કયતાઓ જણાઈ રહી છે. ગઈકાલે તેજસ્વી યાદવના નિવાસસ્થાને વિપક્ષ ગઠબંધનની બેઠક થઈ હતી. વિપક્ષના મહાગઠબંધનમાં બેઠકની ફાળવણી તેમજ નેતૃત્વ મુદ્દે આશરે પાંચ કલાક સુધી બેઠક ચાલી હતી. આ બેઠક બાદ વિકાસશીલ ઈન્સાન પાર્ટી (વીઆઈપી)ના પ્રમુખ મુકેશ સહાનીએ દાવો કર્યો હતો કે, વાત ફાઈનલ થઈ ગઈ છે. બે દિવસમાં પ્રેસ કોન્ફરન્સ કરી આ મામલે જાણકારી આપવામાં આવશે.