બિહાર ચૂંટણી ટાણે JMMના તેવરથી મહાગઠબંધનની મુશ્કેલી વધશે

October 12, 2025

ઝામુમોએ આરજેડીને ચેતવતાં કહ્યું- 12 બેઠક આપો નહીંતર અમને ચૂંટણી લડતા આવડે છે
રાઘોપુર : બિહાર વિધાનસભા ચૂંટણીનો ગરમાવો ઝારખંડ સુધી પહોંચ્યો છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચા (JMM)એ મહાગઠબંધન I.N.D.I.A બ્લોકને અલ્ટીમેટમ આપી દીધું છે. પાર્ટીના વરિષ્ઠ નેતા સુપ્રિયો ભટ્ટાચાર્યએ શનિવારે (11 ઓક્ટોબર) સ્પષ્ટ કહી દીધું કે, જો 14 ઓક્ટોબર સુધી બેઠક વહેંચણી પર સન્માનજનક સંમતિ નથી બનતી, તો JMM ખુદ પોતોનો રસ્તો નક્કી કરી લેશે.


સુપ્રિયો ભટ્ટાચાર્યએ કહ્યું કે, 'અમે બિહારમાં ઓછામાં ઓછા 12 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવા ઈચ્છીએ છીએ. ઝારખંડમાં જ્યારે અમે ગઠબંધન કર્યું ત્યારે કોંગ્રેસ, આરજેડી અને CPI(ML)ને સન્માનજનક બેઠક આપવામાં આવી હતી. હવે અમે આશા કરીએ છીએ કે, બિહારમાં અમને પણ એ જ સન્માન મળશે. જો આવું ન થયું તો 15 ઓક્ટોબરે થતી JMM ની કેન્દ્રીય સમિતિની બેઠકમાં અમે સ્વતંત્ર નિર્ણય લઇશું. JMM કોઈની બી-ટીમ નથી. પાર્ટીની પોતાની તાકાત અને જનાધાર છે. અમે I.N.D.I.A ગઠબંધનનો ભાગ છીએ, પરંતુ જો અમારી સાથે અન્યાય થાય, તો અમે ચૂપ નહીં રહીએ. JMM એક સ્વતંત્ર રાજકીય પાર્ટી છે અને અમને ચૂંટણી લડતા આવડે છે, ખાસ કરીને ભાજપ સામે.


JMMના આ નિવેદને મહાગઠબંધનની અસહજતા વધારી છે. બિહારમાં RJD, કોંગ્રેસ, CPI(ML) અને અન્ય નાના દળો વચ્ચે બેઠક વહેંચણીને લઈને પહેલાં જ ખેંચતાણ ચાલી રહી છે. હવે JMMના આ અલ્ટીમેટમથી I.N.D.I.A ગઠબંધનની એકજૂટતા પર સવાલ ઉઠવા લાગ્યા છે.