ભાજપ તેની નિષ્ફળતાઓનું ઠીકરું બીજાના માથે ફોડે છે : ઓમર અબ્દુલ્લાના પ્રહાર

September 26, 2025

ઓમર અબ્દુલ્લાએ લદાખ પ્રશાસનને ઘેર્યું

લદાખ : લદાખમાં તાજેતરમાં થયેલી હિંસા માટે કેન્દ્રની સત્તાધારી પાર્ટી ભાજપે કોંગ્રેસને જવાબદાર ઠેરવતાં, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કોંગ્રેસનો બચાવ કરતાં કહ્યું કે, ભાજપને પોતાની નિષ્ફળતાઓનો દોષ હંમેશા બીજાના માથે ઢોળવાની આદત છે અને લેહની હિંસા અંગેનો આ આરોપ પણ તેનું જ એક ઉદાહરણ છે. પૂરગ્રસ્ત રિયાસી જિલ્લાના ગામોની મુલાકાત લીધા પછી, પત્રકારો સાથે વાત કરતાં ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે, 'ઉપરાજ્યપાલના નેતૃત્વવાળા લદાખ પ્રશાસને એ વિચારવું જોઈએ કે તે વિસ્તારમાં શાંતિ જાળવવામાં અને યોગ્ય પગલાં લેવામાં કેમ નિષ્ફળ ગયું?' વાસ્તવમાં, બુધવારે લેહમાં થયેલી હિંસા માટે ભાજપે કોંગ્રેસને જવાબદાર ગણાવી હતી.

આ અંગેના સવાલના જવાબમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં પૂછ્યું કે, 'જ્યારે લદાખમાં ભાજપની સરકાર છે અને તેઓ પોતે શાસન આપવામાં નિષ્ફળ ગયા છે, તો પછી દોષ બીજા કોઈના માથે કેમ ઢોળી રહ્યા છો? આ સાથે જ અબ્દુલ્લાએ સ્પષ્ટ સ્વરમાં કહ્યું, 'કોંગ્રેસમાં એટલી તાકાત નથી કે તે લદાખમાં હિંસા ભડકાવી શકે. જો કોંગ્રેસ એટલી શક્તિશાળી હોત કે તે લદાખમાં હિંસા ભડકાવી શકે, તો તે પાર્ટીએ ત્યાં પરિષદની રચના કેમ ન કરી? લદાખમાં છેલ્લી પરિષદની ચૂંટણી કોણ જીત્યું? ભાજપ, જ્યારે કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. જ્યારે કંઈ ખોટું થાય છે, ત્યારે ભાજપના લોકો હંમેશા બહાના શોધવા લાગે છે અને તે પોતાની નિષ્ફળતાનું ઠીકરું બીજાના માથે ફોડે છે.'