કચ્છ-ભુજમાં બ્લેકઆઉટ, જમ્મુ-જેસલમેરની ઘટના બાદ ભારતીય સેના એલર્ટ

May 08, 2025

ભારત અને પાકિસ્તાન વચ્ચે હવે ઘર્ષણ વધ્યું છે. આ વચ્ચે પાકિસ્તાન તરફથી ફરી એકવાર હુમલાનો પ્રયાસ કરાયો છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, પાકિસ્તાને જમ્મુ એરસ્ટ્રિપ, પંજાબ અને રાજસ્થાનમાં ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો છે. પાકિસ્તાન તરફથી કરાયેલા ડ્રોન હુમલામાં ભારતીય સેનાએ આઠ ડ્રોન, 2 JF-17, F-16 જેટને દોડી પાડવામાં આવ્યા છે. પાકિસ્તાન ડ્રોન હુમલાની સ્થિતિને લઈને ગુજરાતના કચ્છ-ભુજ, નલિયા, નખત્રાણા સહિતમાં બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે.

ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. જ્યારે ઓપરેશન સિંદૂરની સફળતા પછી પાકિસ્તાને ગુજરાત સહિત દેશના 15 સૈન્ય ઠેકાણે હુમલાનો પ્રયાસ કર્યો હતો, જેને ભારતીય સુરક્ષા એજન્સીઓએ નિષ્ફળ કરી દીધો હતો. જેમાં ગુજરાતના કચ્છના ખાવડા નજીક કોટડા ગામ પાસે શંકાસ્પદ ડ્રોન હાઇ ટેન્શન પાવર લાઇન સાથે અથડાઈને તૂટી પડ્યું હોવાનું સામે આવ્યું હતું.

આ દરમિયાન ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે કચ્છ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત કરવામાં આવી છે, ત્યારે મત્સ્ય વિભાગે ગુજરાતના કચ્છના ત્રણ બંદરો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેમાં ગુજરાત મત્સ્યોદ્યોગ અધિનિયમ-2003ની કલમ 7 હેઠળ નારાયણ સરોવર, જખૌ અને લખપત બંદર પર તમામ પ્રકારની માછીમારી પ્રવૃત્તિઓ આગામી આદેશ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

પાકિસ્તાન તરફથી ડ્રોન હુમલાના પ્રયાસના પગલે ભારતની 4 એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દેવાઈ છે. S-400, L-70, ZSU-23 અને શિલ્કા એર ડિફેન્સ સિસ્ટમ હાલ તૈનાત કરી દેવાઈ છે. પાકિસ્તાનના ડ્રોન એટેકને ભારતની એર ડિફેન્સ સિસ્ટમ આકાશમાં ઇન્ટરસેપ્ટ કરી રહી છે, એટલે કે ભારતની મિસાઈલ સિસ્ટમ આ ડ્રોનને આકાશમાં જ તોડી પાડી રહી છે. ભારતનું કાઉન્ટર ડ્રોન સિસ્ટમ પણ એલર્ટ છે. સુરક્ષા એજન્સીઓએ પુષ્ટિ કરી છે કે, જમ્મુ એરપોર્ટ, સાંબા, આરએસ પુરા, અરનિયા અને પાડોશી વિસ્તારોમાં પાકિસ્તાનથી 8 મિસાઈલો છોડવામાં આવી અને તમામને S-400 દ્વારા તોડી પડાઈ છે.