બ્રિજભૂષણ શરણસિંહના બંને પુત્રોએ CM યોગીની મુલાકાત લેતાં રાજકીય હલચલ

July 28, 2025

ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. તે પહેલા રાજ્યમાં રાજકીય હલચલ તેજ થઈ રહેલી જોવા મળી રહી છે. ભાજપના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ બાદ આજે તેમના બંને પુત્રોએ પણ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી છે. રાજધાની લખનૌમાં, કૈસરગંજના સાંસદ કરણ ભૂષણ સિંહ અને ગોંડા સદરના ધારાસભ્ય પ્રતીક ભૂષણ સિંહ મુખ્યપ્રધાન યોગીને મળ્યા છે.

આ મુલાકાત એવા સમયે થઈ છે, જ્યારે બ્રિજ ભૂષણ શરણ સિંહ પોતે 4 દિવસ પહેલા જ સીએમ યોગીને મળ્યા હતા. આ સતત મુલાકાતોને લઈને રાજકીય ચર્ચાઓમાં વધારો થઈ રહ્યો છે. લોકસભા ચૂંટણી બાદ બ્રિજભૂષણ સિંહ અને તેમના પરિવારની રાજકીય સક્રિયતા વિશે અનેક ચર્ચાઓ થઈ રહી હતી.

હવે આ બેઠકોને આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપની અંદરના સમીકરણો નક્કી કરવાની રણનીતિનો એક ભાગ માનવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા જ્યારે પ્રતીક ભૂષણ સિંહને મંત્રી તરીકે નિયુક્ત કરવા અંગે પૂછવામાં આવ્યું, ત્યારે બ્રિજભૂષણ શરણ સિંહે સ્પષ્ટપણે કહ્યું હતું કે આવા નિર્ણયો મુખ્યમંત્રી અને પક્ષના નિર્ણય હેઠળ લેવામાં આવે છે.