બૃજભૂષણ શરણ સિંહે કરી સૌથી મોટી જાહેરાત, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સામે રાખી શરત

May 21, 2023

દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ગોંડાથી ભાજપના સાંસદ અને ભારતીય કુશ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહનું મોટુ નિવેદન સામે આવ્યું છે. બૃજભૂષણ શરણ સિંહે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે તે પોતાનો નાર્કો ટેસ્ટ, પોલીગ્રાફ ટેસ્ટ કે લાઇ ડિટેક્ટર ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે, પરંતુ શરત છે કે વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા (Bajrang Punia)નો પણ આ ટેસ્ટ થવો જોઈએ. 

બૃજભૂષણ શરણ સિંહે આગળ કહ્યું, 'જો વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયા પોતાનો ટેસ્ટ કરાવવા માટે તૈયાર છે તો પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરે. હું વચન આપુ છું કે હું તેના માટે તૈયાર છું.' બ્રૃજભૂષણ શરણ સિંહ પહેલા પણ પોતાની વાત પર અડગ હતા, આજે પણ મક્કમ છે અને હંમેશા મક્કમ રહેશે.” બ્રૃજભૂષણ શરણ સિંહે પોતાના સત્તાવાર ફેસબુક પેજ પર પોસ્ટ કરીને આ માંગણી કરી છે.આ પહેલા બૃજભૂષણ શરણ સિંહે શનિવારે નિવેદન આપ્યુ હતું- મેં એક દિવસ કહ્યું હતું કે મારા પર કોઈ દાગ નથી અને કોઈ શર્મિંદગી નથી, કોઈ સાહસમાં કમી નથી. યાદ રાખવું કે એક દિવસ તમારો આ ભાઈ, પુત્ર, કાકા બધુ હોઈ શકે છે પરંતુ જે આરોપ લગાવ્યો છે, તે ન હોઈ શકે.