ભાવનગરના શ્રદ્ધાળુઓને લઈ જતી બસનો યુપીમાં ગમખ્વાર અકસ્માત, 2નાં મોત, 3 ઈજાગ્રસ્ત

March 01, 2025

ગુજરાતના ભાવનગર જિલ્લાના શ્રદ્ધાળુઓને લઈ જતી બસનો આજે શનિવારે ઉત્તર પ્રદેશમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભાવનગરથી રાજધાની નામની ટ્રાવેલ્સ બસમાં શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ગયા હતા. જેમાં લખનઉ-દિલ્હી હાઇવે પર બરેલી નજીક અકસ્માત થયો હતો. આ ઘટનામાં 2 વ્યક્તિના મોત નીપજ્યા હતા. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. મૃતકોને તાત્કાલિક ગુજરાત લાવવાની પ્રક્રિયા હાથ  ધરવામાં આવી છે. સમગ્ર બનાવને લઈને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરવામાં આવી હતી.

ગુજરાતથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના મહાકુંભ થઈને હરિદ્વાર જઈ રહેલી શ્રદ્ધાળુઓની બસને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં ભાવનગરના આશીષ ગોહિલ, યજ્ઞેશ બારૈયા નામના વ્યક્તિના મોત નીપજ્યા હતા. જ્યારે હિતેશ આહિર નામના યુવાનની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને અન્ય એક યુવકની સ્થિતિ ખૂબજ નાજુક હોવાથી વેન્ટીલેટર ઉપર છે. અકસ્માતની જાણ થતાની સાથે એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.