બલૂચિસ્તાનમાં ચીન પોતાની સેના ઉતારવાની તૈયારીમાં

January 02, 2026

દિલ્હી ઃ બલૂચિસ્તાનના પ્રભાવશાળી નેતા મીર યાર બલૂચે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરને એક ખુલ્લો પત્ર લખીને ગંભીર આશંકા વ્યક્ત કરી છે. પહેલી જાન્યુઆરી-2026ના રોજ લખાયેલા આ પત્રમાં તેમણે ચેતવણી આપી છે કે, ‘જો બલૂચિસ્તાનની સ્વતંત્રતા સેનાઓને નજરઅંદાજ કરાશે, તો આગામી મહિનાઓમાં ચીન અમારા ત્યાં સેના તહેનાત કરી શકે છે. આ પગલું માત્ર બલૂચિસ્તાન જ નહીં, પરંતુ ભારતની સુરક્ષા માટે પણ મોટો ખતરો સાબિત થઈ શકે છે.’
પોતાને બલૂચિસ્તાનના પ્રતિનિધિ ગણાવતા મીર યાર બલૂચે જણાવ્યું કે, 6 કરોડ બલૂચ લોકોની ઈચ્છા વિરુદ્ધ જો ચીન સૈનિકો તહેનાત કરશે તો ભારત માટે પણ પડકારો ઉભા થઈ શકે છે. તેમણે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, પાકિસ્તાન અને ચીન વચ્ચેનું ગઠબંધન હવે તેના અંતિમ અને સૌથી ખતરનાક તબક્કામાં પહોંચી ગયું છે. આ પરિસ્થિતિમાં ભારત અને બલૂચિસ્તાન વચ્ચે પરસ્પર સહયોગ અત્યંત જરૂરી છે.