ચીનની ફરી ચાલબાજી, દુનિયાનો સૌથી મોટો ડેમ તૈયાર કરવાનું શરુ કર્યું, ભારત સામે મોટું સંકટ

June 17, 2026

ચીન પોતાની નાપાક ચાલબાજીઓથી અટકવાનું નામ નથી લઈ રહ્યું. તેણે સત્તાવાર રીતે તિબેટમાં યારલુંગ ત્સાંગપો નદીના નીચલા પ્રવાહ પર વિશ્વના સૌથી મોટા ડેમનું નિર્માણ કાર્ય શરૂ કરી દીધું છે. સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે આ નિર્માણ સ્થળ ભારતીય સરહદથી માત્ર 50 કિલોમીટરની દૂરી પર આવેલું છે. આ વિશાળ પ્રોજેક્ટના કારણે બ્રહ્મપુત્રા નદીના નીચલા પ્રવાહવાળા વિસ્તારો, ખાસ કરીને અરૂણાચલ પ્રદેશ અને આસમના માથે ગંભીર સંકટના વાદળો મંડરાઈ રહ્યા છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ગુપ્તચર સૂત્રો અને સેટેલાઇટ તસવીરોથી ખુલાસો થયો છે કે ભારતની સતત આપત્તિઓ છતાં ચીન આ પરિયોજનાને ખૂબ જ ઝડપથી આગળ ધપાવી રહ્યું છે. યારલુંગ ત્સાંગપો નદી તિબેટમાંથી વહીને ભારતમાં 'સિયાંગ' નામે પ્રવેશે છે અને આગળ જતાં તે અસમમાં વિશાળ બ્રહ્મપુત્રા નદી બને છે. ભારતીય અધિકારીઓએ આ મેગા-ડેમને લઈને ગંભીર ચેતવણી જાહેર કરી છે. આશંકા સેવાઈ રહી છે કે આ બંધના કારણે નદીના પાણીનો કુદરતી પ્રવાહ સંપૂર્ણપણે પ્રભાવિત થઈ શકે છે, જેનાથી સ્થાનિક પર્યાવરણને ભારે નુકસાન પહોંચશે. એટલું જ નહીં, નીચલા વિસ્તારોમાં ખેતીવાડી વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગશે અને અરૂણાચલ પ્રદેશ તથા આસમમાં પૂરની અણધારી તેમજ જોખમી સ્થિતિ સર્જાઈ શકે છે. જોકે, ચીન એવો દાવો કરી રહ્યું છે કે આ પ્રોજેક્ટનો હેતુ માત્ર મોટા પાયે જળવિદ્યુત પેદા કરવાનો છે, પરંતુ ભારત જેવા નીચલા પ્રવાહ ધરાવતા દેશો માટે તેના પરિણામો અત્યંત સંવેદનશીલ અને અસ્થિર કરનારા સાબિત થઈ શકે છે. આ સંવેદનશીલ સ્થિતિ પર ભારત સરકાર સતત ચાંપતી નજર રાખી રહી છે. લોકસભામાં આપવામાં આવેલા એક લેખિત જવાબમાં સરકારે સ્પષ્ટ કર્યું છે કે તે બ્રહ્મપુત્ર નદી બેસિન સાથે જોડાયેલી દરેક પ્રવૃત્તિ અને ચીનની જળવિદ્યુત યોજનાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરી રહી છે. નીચલા વિસ્તારોમાં રહેતા ભારતીય નાગરિકોના જીવ, સંપત્તિ અને આજીવિકાની રક્ષા કરવા માટે સરકાર તમામ જરૂરી અને યોગ્ય પગલાં ઉઠાવી રહી છે.