અમરનાથ જતા BSF જવાનોને 'ગંદકીવાળી' ટ્રેન ફાળવવા વિવાદ, 4 રેલવે અધિકારી સસ્પેન્ડ

June 11, 2025

અમરનાથ યાત્રાને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જે અંતર્ગત 1200 જેટલા BSF (બોર્ડર સિક્યોરિટી ફોર્સ)ના જવાનોને ડ્યુટી પર જવા માટે 'ખરાબ' ટ્રેન ફાળવવામાં આવી હતી. જેને લઈને હોબાળો થયો હતો. જે મામલે 5 દિવસ જૂના કેસમાં રેલવે મંત્રાલયના 4 રેલવે અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે.

6 જૂનના રોજ જવાનોને ત્રિપુરાથી અમરનાથ જવાનું હતું. નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર રેલવે (NFR)એ જે ટ્રેન જવાનોને ઉપલબ્ધ કરાવી હતી, જેમાં બારી-દરવાજા તૂટેલા હતા. ટોયલેટ તૂટેલું અને ગંદુ હતું, લાઈટ પણ નહતી. સીટો પર ગાદીઓ પણ નહતી. રેલવેમાં વંદા ફરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. આ બધુ જોઈને જવાનોએ ઇનકાર કરતા 10 જૂને બીજી ટ્રેન ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.

જવાનોએ અમરનાથ તીર્થયાત્રી ડ્યુટી માટે કાશ્મીર પહોંચવાનું હતું. જે ટ્રેનથી તેમને જવાનું હતું, તેનું BSFની કંપની કમાન્ડરે નિરીક્ષણ કર્યું. ટ્રેનની સ્થિતિ જોઈને તેઓ ચોંકી ગયા. ટ્રેનના ડબ્બાઓની હાલત ખુબ ખરાબ  હતી. તેનો ઉપયોગ જવાનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરી શકાય તેમ ન હતો. તપાસ બાદ ખબર પડી કે ડબ્બાઓનો મહિનાઓથી ઉપયોગ થયો નહતો. તમામ ડબ્બામાં ઠેટઠેકાણે તૂટેલો સામાન પડ્યો હતો. વધુ પડતી સીટો ગંદકી ફેલાયેલી હતી. ટ્રેનના અનેક ડબ્બામાં બલ્બ કે વીજળી કનેક્શન ન હતું.