મોરબીથી કડી જતા દરબાર પરિવારની કારને ટ્રકે કચડી, ચારનાં ઘટનાસ્થળે જ મોત

September 20, 2023

સુરેન્દ્રનગર  : સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-જૈનાબાદ વચ્ચે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. દસાડા-જૈનાબાદ હાઇવે પર જતી સ્વિફ્ટ કારને માતેલા સાંઢની માફક આવતી ટ્રકે ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે.

મળતી માહિતી મુજબ મોરબી પાસેના વિરપરાડા ગામના દરબારો સ્વિફ્ટ ગાડી લઈને દેત્રોજ લોકાએ જઈ રહ્યાં હતા, ત્યારે પાટડી તાલુકાના જૈનાબાદ અને દસાડા વચ્ચે વણાંક પાસે માતેલા સાંઢની માફક આવતી રાજસ્થાન પાસિંગની ટ્રકે સ્વિફ્ટ કારને ધડાકાભેર ટક્કર મારી હતી. 

ટ્રકે સ્વિફ્ટ કારને મારેલી ટક્કર એટલી ભયંકર હતી કે કારનું પડિકુ વળી ગયું હતું અને નજીકના ખેતરમાં જઇને ખાબકી હતી. જેમાં સવાર ચાર લોકો કારમાં જ દબાઇ જતાં ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો એકઠા થઇ ગયા હતા. સ્થાનિકોએ પોલીસ અને 108ને જાણ કરી હતી. જાણ થતાં જ દસાડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ​​​​​મૃતકોની ઓળખાણ હજી થઇ શકી નથી પણ આરટીઓમાં આ સ્વિફ્ટ ગાડી કુલદીપસિંહ પરમારન નામે બોલતી હોવાનું ખુલવા પામ્યું છે.