IPLમાં હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ મૂકવાની માંગ, MI સાથે જોડાતા ફેન્સ ભડક્યા

November 29, 2023

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેની IPL ફ્રેન્ચાઈઝી ગુજરાત ટાઈટન્સને છોડીને મુંબઈ ઇન્ડિયન્સમાં સામેલ થઇ ગયો છે. ઘણાં સમયથી અટકળો ચાલી રહી હતી કે હાર્દિક પંડ્યા ગુજરાતને છોડીને મુંબઈની ટીમમાં સામલે થઇ શકે છે. હવે હાર્દિકના મુંબઈની ટીમમાં સામેલ થવાથી ફેન્સ તેના પર ભડકી ઉઠ્યા છે. ફેન્સ એટલા હદે ગુસ્સે થયા છે કે તેમણે હાર્દિક પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ પણ કરી છે. સોશ્યલ મીડિયા પર હાર્દિકને ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ફેન્સ માંગણી કરી રહ્યા છે કે હાર્દિક પર IPL 2024માં પ્રતિબંધ મુકવામાં આવે. પરંતુ અહિયાં પ્રશ્ન એ છે કે હાર્દિકના મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં સામેલ થવાથી ફેન્સ આટલા નારાજ કેમ છે. જેનો જવાબ એ છે કે IPLના નિયમ મુજબ કોઈપણ ખેલાડી કોઈ ફ્રેન્ચાઈઝીને પોતાની ટીમમાં સામેલ કરવા માટે કહી શકે નહીં. આવો જ એક કિસ્સો જોવા મળ્યો જ્યારે ભારતના સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા પર 2010માં રાજસ્થાન રોયલ્સ સાથે રિન્યુઅલ કોન્ટ્રાક્ટ સાઈન ન કરવા અને તેના બદલે મુંબઈ ઈન્ડિયન્સ સાથે કોન્ટ્રાક્ટ કરવા બદલ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.રવિન્દ્ર જાડેજાનું ઉદાહરણ આપીને ફેન્સ માંગ કરી રહ્યા છે કે હાર્દિક પંડ્યા પર પણ IPLમાંથી પ્રતિબંધ મુકવો જોઈએ. ફેન્સનું કહેવું છે કે જ્યારે જાડેજા પર પ્રતિબંધ હતો તો પછી પંડ્યા પર કેમ પ્રતિબંધ નથી લગાવવામાં આવ્યો. ફેન્સ ગુજરાત ટાઇટન્સને BCCIને ફરિયાદ કરવા અને હાર્દિક પંડ્યા પર પ્રતિબંધ મૂકવાની પણ સલાહ આપી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે હાર્દિક પંડ્યા સામે ખરેખર કોઈ કાર્યવાહી થાય છે કે કેમ.