ભારતના ભારે વિરોધ છતાં ઇન્ટરપોલે વોન્ટેડ લિસ્ટમાંથી મેહુલ ચોકસીનું નામ દૂર કર્યુ

March 21, 2023

નવી દિલ્હી: ઇન્ટરપોલે ભાગેડું મેહુલ ચોકસી વિરુદ્ધ જારી રેડ કોર્નર નોટીસ પરત લઇ લીધી છે. ઘટનાક્રમ સાથે સંકળાયેલા લોકોએ જણાવ્યું હતું કે હીરા વેપારીના પ્રતિનિધિત્ત્વને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકારે આ નિર્ણયનો જોરદાર વિરોધ નોંધાવ્યો છે. ઉલ્લેખનીય છે કે પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના બે અબજ ડોલરના છેતરપિંડી કેસમાં ચોકસી ભારતમાં વોન્ટેડ છે. ડિસેમ્બર, ૨૦૧૮માં તેમની વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ જારી કરવામાં આવી હતી. ઇન્ટરપોલની વોન્ટેડ લિસ્ટથી ચોકસીનું નામ હટાવવાના નિર્ણયનો ભારત સરકારે જોરદાર વિરોધ કર્યો હતો. જો કે ગ્લોબલ પોલિસી બોડી આનાથી સહમત થઇ ન હતી. તેણે ચોકસીના એ આરોપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભારતીય એજન્સીઓએ તેનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ભારત સરકાર અને બે ફેડરલ એજન્સીઓ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (સીબીઆઇ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને મોટો આંચકો લાગ્યો છે. રેડ કોર્નર નોટીસ દૂર કરવાનો અર્થ થાય છે કે મેહુલ ચોક્સી એન્ટીગુઆ અને બરબુડાની બહાર પણ યાત્રા કરી શકશે. ઉલ્લેખનીય છે કે હાલમાં તેની પાસે આ બંને દેશોની નાગરિકતા છે. ઇન્ટરપોલે પોતાના આદેશમાં જણાવ્યું છે કે આ વાતની વિશ્વસનીય સંભાવના છે કે અરજકર્તાનો એન્ટીગુઆથી ડોમિનિકામાં અપહરણનો પ્રયાસ થયો હતો. જેનો અંતિમ ઉદ્દેશ તેને ભારતમાં મોકલવાનો હતો. ચોકસી ભારત પરત ફરશે તો તેને ફેયર ટ્રાયલ અથવા ટ્રીટમેન્ટ ન મળવાનો ડર છે. ઇન્ટરપોલની કાર્યવાહીથી પરિચિત લોકોના જણાવ્યા અનુસાર ચોકસીએ પોતાની રેડ કોર્નર નોટીસની સમીક્ષા માટે ગયા વર્ષે ઇન્ટરપોલનો સંપર્ક સાધ્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે ભારતીય એજન્સીઓએ તેના અપહરણનો પ્રયાસ કર્યો હતો.