કેનેડા પર રોષે ભરાયા ડોનાલ્ડ ટ્રમ્પ! વધારાનો 10 ટકા ટેરિફ ઝીંક્યો

October 26, 2025

રીગનના ભાષણના દુરુપયોગનો આક્ષેપ
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર વધારાના 10 ટકા ટેરિફ વધારાની જાહેરાત કરીને બંને દેશો વચ્ચેના વેપાર વિવાદને વધુ ગંભીર બનાવ્યો છે. ટ્રમ્પનું આ કડક પગલું કેનેડા દ્વારા અમેરિકાના પૂર્વ પ્રમુખ રોનાલ્ડ રીગનના ઐતિહાસિક ભાષણનો કથિત રીતે દુરુપયોગ કરતી એક જાહેરાતને 'છેતરપિંડી' ગણાવ્યા બાદ આવ્યું છે. નોંધનીય છે કે, કેનેડા પર અમેરિકા ટેરિફ હવે કુલ 45 ટકા સુધી વધી ગયો છે.


કેનેડિયન સરકારે તાજેતરમાં એક જાહેરાત અભિયાન શરૂ કર્યું હતું, જેમાં અમેરિકાના રોનાલ્ડ રીગનના 1980ના દાયકાના રેડિયો ભાષણમાંથી પસંદ કરેલા ઓડિઓ અને વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ જાહેરાતનો ઉદ્દેશ્ય રીગનને ટેરિફ વિરોધી તરીકે દર્શાવીને અમેરિકાની વર્તમાન ટેરિફ નીતિઓ સામે લોકોના અભિપ્રાયને પ્રભાવિત કરવાનો હતો. જો કે, રોનાલ્ડ રીગન પ્રેસિડેન્શિયલ ફાઉન્ડેશન અને ઇન્સ્ટિટ્યૂટે આ જાહેરાતની સખત નિંદા કરી હતી, અને કહ્યું હતું કે ઓડિયો-વીડિયોનો ઉપયોગ ખોટી રીતે અને તેમની પરવાનગી વિના કરવામાં આવ્યો છે. ફાઉન્ડેશને કાનૂની કાર્યવાહી કરવાની ધમકી પણ આપી છે.


અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આ ઘટનાની ટીકા કરતાં લખ્યું, 'કેનેડાએ ટેરિફ પર રોનાલ્ડ રીગનના ભાષણની નકલી જાહેરાત મૂકી. તેનો એકમાત્ર હેતુ યુએસ સુપ્રીમ કોર્ટને પોતાનો બચાવ કરાવવાનો હતો, ભલે તેઓ વર્ષોથી અમેરિકાને નુકસાન પહોંચાડતા ઊંચા ટેરિફ લાદી રહ્યા છે. રીગન રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થતંત્ર માટે ટેરિફના સમર્થક હતા, વિરોધી નહીં.'
આ મામલો ત્યારે વધુ વકર્યો જ્યારે જાહેરાતને તાત્કાલિક દૂર કરવાનો આદેશ હોવા છતાં, તે વર્લ્ડ સિરીઝ મેચ દરમિયાન પ્રસારિત થઈ હતી. ટ્રમ્પ વહીવટીતંત્ર માને છે કે આ એક જાણી જોઈને બનાવેલું કાવતરું હતું.