વરસાદ અને પાવર ફેલ્યોરના કારણે વડોદરા-એકતાનગર વચ્ચેની 8 અને વડોદરા- વલસાડ વચ્ચેની 12 ટ્રેનો રદ

September 17, 2023

વડોદરા- વડોદરા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ બીજી ઈનિંગનો ધમાકેદાર પ્રારંભ કર્યા બાદ ચારે તરફ પાણી પાણી જેવી સ્થિત રાતોરાત સર્જાઈ છે. ખાસ કરીને મધ્ય 
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો ભારે વરસાદ અને સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે પ્રભાવિત થયા થે.

આવી સ્થિતિમાં ટ્રેન વ્યવહાર પર પણ અસર પડી રહી છે.વડોદરાના પ્રતાપનગર અને કેવડિયા કોલોની(એકતા નગર) વચ્ચેના બે બ્રિજ પર પાણી ભયજનક સપાટીને વટાવી ગયા 
હોવાથી તકેદારીના ભાગરુપે આજના દિવસ માટે વડોદરા અને એકતાનગર વચ્ચેની આઠ ટ્રનો રદ કરવામાં આવી છે. એકતાનગર રુટ પરની અન્ય ત્રણ ટ્રેનને આંશિક રીતે રદ કરવામાં 
આવી છે. જ્યારે રતલામ ડિવિઝનના અમરગઢ પંચપિપળિયા સ્ટેશનો વચ્ચે પણ ટ્રેકને નુકસાન થતા 17 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે.જયારે એક ટ્રેન રદ કરી દેવાઈ છે.

એક તરફ વરસાદના કારણે ટ્રેનો રદ થઈ છે અથવા ડાયવર્ટ કરાઈ છે ત્યારે વડોદરા યાર્ડથી બાજવા વચ્ચે આજે સવારે ટેકનિકલ ખામીના કારણે વીજ પૂરવઠો ઠપ થયો હતો.તેના કારણે 
વડોદરાથી અમદાવાદ તેમજ વડોદરાથી સુરત અને વલસાડના રુટ પર દોડતી 12 મેમુ ટ્રેનોને રદ કરવામાં આવી હતી. આમ આજે વડોદરા રેલવે સ્ટેશન પર હજારો મુસાફરો અટવાયા 
હતા અને તેના કારણે રેલવે સ્ટેશન પર રોજ કરતા બમણી ગીરદી પણ જોવા મળી હતી.