મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરીમાં પણ SC/ST/OBCનો હક : સુપ્રીમ કોર્ટ

January 05, 2026

સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઇકોર્ટના એક મહત્ત્વપૂર્ણ ચુકાદાને માન્ય રાખતા સ્પષ્ટ કર્યું છે કે, અનામત વર્ગના જે ઉમેદવારો જનરલ(ઓપન) કેટેગરીના કટ-ઑફ કરતાં વધુ માર્કસ મેળવે છે, તેમને શોર્ટલિસ્ટિંગના તબક્કે જ જનરલ કેટેગરીમાં ગણવા જોઈએ. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે રાજસ્થાન હાઇકોર્ટના રજીસ્ટ્રાર દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી છે.  આ વિવાદ 2022માં રાજસ્થાન હાઇકોર્ટ દ્વારા આયોજિત જુનિયર જ્યુડિશિયલ આસિસ્ટન્ટ અને ક્લાર્ક ગ્રેડ-IIની 2756 જગ્યાઓની ભરતી પ્રક્રિયાથી શરુ થયો હતો. લેખિત પરીક્ષા બાદ એવું જોવા મળ્યું હતું કે SC, OBC, MBC અને EWS જેવી ઘણી અનામત કેટેગરીનું કટ-ઑફ જનરલ કેટેગરી કરતાં પણ ઊંચું ગયું હતું, જેના કારણે વધુ માર્કસ લાવનારા અનામત વર્ગના ઉમેદવારોને ટાઇપિંગ ટેસ્ટ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા નહોતા. અદાલતે આ મામલે ભારપૂર્વક જણાવ્યું કે 'ઓપન કેટેગરી' એ કોઈ ખાસ વર્ગ માટે અનામત રાખવામાં આવેલો ક્વોટા નથી, પરંતુ તે સંપૂર્ણપણે યોગ્યતા(Merit) પર આધારિત છે. જો કોઈ અનામત વર્ગનો ઉમેદવાર કોઈપણ વધારાની છૂટછાટ લીધા વગર જનરલ કેટેગરીના ઉમેદવાર કરતાં વધુ માર્કસ મેળવે છે, તો તે ઓપન પોસ્ટ માટે સ્પર્ધા કરવા પાત્ર બને છે.  સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઇકોર્ટના એ ચુકાદા સાથે સહમતિ દર્શાવી કે ભરતી કરનાર સંસ્થાએ પહેલા મેરિટના આધારે જનરલ લિસ્ટ તૈયાર કરવું જોઈએ અને ત્યારબાદ જ અનામત વર્ગની યાદી બનાવવી જોઈએ. અદાલતે કહ્યું કે માત્ર ફોર્મમાં પોતાની કેટેગરી દર્શાવવાથી ઉમેદવાર ઓપન કેટેગરીમાં નોકરી મેળવવાનો હક ગુમાવતો નથી. જસ્ટિસ દીપાંકર દત્તાએ ચુકાદામાં કહ્યું કે 'ડોક્ટ્રિન ઑફ એસ્ટોપેલ' (એટલે કે પ્રક્રિયા સ્વીકાર્યા પછી તેને પડકારી ન શકાય તેવો સિદ્ધાંત) અહીં લાગુ પડતો નથી, કારણ કે ભરતી પ્રક્રિયામાં જ ગેરકાયદેસરતા હતી. ઉમેદવારો એવી અપેક્ષા ન રાખી શકે કે જનરલ કેટેગરી કરતાં વધુ માર્કસ લાવવા છતાં તેમને અન્યાય થશે.' કોર્ટે 'ઈન્દ્ર સાહની' અને 'આર. કે. સભરવાલ' કેસના જૂના ચુકાદાઓને ટાંકીને કહ્યું કે જે ઉમેદવાર મેરિટમાં આગળ છે, તેને તેની જ્ઞાતિ કે સમુદાયના આધારે સમાનતાના અધિકારથી વંચિત રાખી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે 'ઓપન' એટલે 'ઓપન', જેમાં કોઈપણ જાતિ, જ્ઞાતિ કે લિંગના ભેદભાવ વગર દરેક યોગ્ય ઉમેદવારને સ્થાન મળવું જોઈએ. જો કોઈ ઉમેદવાર ટાઇપિંગ ટેસ્ટ જેવા બીજા તબક્કે પણ શ્રેષ્ઠતા જાળવી રાખે, તો તેની અનામત કેટેગરીને બદલે ઓપન કેટેગરીમાં જ નિમણૂક મળવી જોઈએ.