મેક્સિકોના સુપરમાર્કેટમાં ભીષણ આગ, 4 બાળક સહિત 23 લોકોના મોત

November 03, 2025

મેક્સિકોના સોનોરા રાજ્યમાં ભયાનક આગે તહેવારની ખુશીને શોકમાં ફેરવી દીધી, જ્યારે હર્મોસિલો શહેરના એક ડિસ્કાઉન્ટ સ્ટોરમાં લાગી આવેલી આગમાં ઓછામાં ઓછા 23 લોકોના મોત થયા, જેમાં ઘણા બાળકો પણ સામેલ હતા, જ્યારે 12થી વધારે લોકો ઘાયલ થયા છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે દેશભરમાં ‘ડે ઓફ ધ ડેડ’ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો હતો. એક એવો પરંપરાગત તહેવાર જેમાં પરિવારો પોતાના અવસાન પામેલા પ્રિયજનોને યાદ કરે છે. 

રંગબેરંગી ઝૂલૂસ અને મીણબત્તીઓ વચ્ચે આ અકસ્માતે આખા ઉત્સવને દુઃખમાં ફેરવી નાખ્યો,,સોનોરાના એટર્ની જનરલ ગુસ્તાવો સલાસે જણાવ્યું કે મોટાભાગના લોકોનું મૃત્યુ ઝેરી વાયુઓ શ્વાસમાં લેવાને કારણે થયું, કારણ કે આગ લાગ્યા બાદ ધુમાડો ઝડપથી આખા સ્ટોરમાં ફેલાઈ ગયો હતો. તેમણે કહ્યું કે ફોરેન્સિક ટીમે મૃતદેહોની તપાસ શરૂ કરી દીધી છે.

સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધડાકો કે આગ લાગવાનું કારણ સંભવિત ઇલેક્ટ્રિકલ ફોલ્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે, હજી પણ તપાસ ચાલી રહી છે કે વિસ્ફોટ થયો હતો કે નહીં.મળતી માહિતી પ્રમાણે ગર્વનરે અકસ્માતના કારણો શોધવા માટે પારદર્શક અને વિગતવાર તપાસના આદેશ આપ્યા છે. આ અત્યંત દુઃખદ ઘટના છે, ખાસ કરીને કારણ કે મૃત્યુ પામેલાઓમાં નાના બાળકો પણ સામેલ છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરીને પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.