ગુરદાસપુરમાં બસની બ્રેક ફેઈલ થતા ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત

October 01, 2024

પંજાબના ગુરદાસપુર જિલ્લામાં સોમવારે એક દર્દનાક માર્ગ અકસ્માત થયો હતો. શાહબાદ ગામ નજીકથી પસાર થતી ખાનગી બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. જેના કારણે બસ રોડની બાજુના સ્ટોપેજમાં ઘુસી ગઈ હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે સ્થાનિક લોકો પહોંચી બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા અને પોલીસને જાણ કરી. માહિતી મળતા જ પોલીસ પહોંચી અને તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરોએ ચાર મુસાફરોને મૃત જાહેર કર્યા છે, જ્યારે 15થી વધુ ઘાયલોની સારવાર ચાલી રહી છે.

ખાનગી બસ બટાલાથી મોહાલી જઈ રહી હતી. શાહબાદ ગામના બસ સ્ટેન્ડ પાસે અચાનક બસની બ્રેક ફેઈલ થઈ ગઈ હતી. જેના કારણે બસ સ્ટોપેજમાં ઘુસી ગઈ હતી અને સ્ટોપેજનો ફાનસ બસ પર પડ્યો હતો. બસ રાજધાની કંપનીની હતી. આ અકસ્માતમાં બાઈક અને સ્કૂટર પણ બસની નીચે ફસાઈ ગયા હતા. ઘટના બાદ તરત જ સ્થાનિક લોકોએ ઘાયલોને બસમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું અને પોલીસને જાણ કરી હતી.

માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને એમ્બ્યુલન્સમાં બટાલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરોએ ચાર મુસાફરોને મૃત જાહેર કર્યા, જ્યારે 15થી વધુની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દુ:ખદ બસ અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે બસ તેજ સ્પીડમાં આવે છે અને કાબૂ બહાર જઈને બસ સ્ટેન્ડ સાથે અથડાઈ જાય છે.