દસ્તાવેજ આપો, અમે તપાસ કરીશું, રાહુલના આરોપ પર ચૂંટણી પંચનો જવાબ

August 10, 2025

તમે જે દાવો કર્યો તેના દસ્તાવેજ આપો : ચૂંટણી પંચની રાહુલને નોટિસ


દિલ્હી : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને ચૂંટણી પંચ વચ્ચે ઘણા સમયથી આક્ષેપ-પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. રાહુલ ગાંધીએ તાજેતરમાં જ કેટલાક દસ્તાવેજો દેખાડી એક મતદારે બે વખત મતદાન કર્યું હોવાનો દાવો કર્યો હતો, ત્યારે હવે આ મામલે કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીએ રાહુલ ગાંધીને નોટિસ પાઠવી છે.
રાહુલ ગાંધીએ 7મી ઓગસ્ટે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમાં તેમણે દાવો કર્યો હતો કે, ચૂંટણી પંચના રેકોર્ડ મુજબ કર્ણાટકની એક મહિલા શકુન રાનીએ બે વખત મતદાન કર્યું છે. તેમણે દાવો પુરવાર કરવા માટે કેટલાક દસ્તાવેજો પણ દેખાડ્યા હતા અને તે દસ્તાવેજ ચૂંટણી પંચને ડેટા હોવાનું કહ્યું હતું.
કર્ણાટકના મુખ્ય ચૂંટણી અધિકારીએ રાહુલને પાઠવેલ નોટિસમાં કહેવાયું છે કે, તમે પ્રેઝન્ટેશનમાં કહ્યું હતું કે, ડેટા ચૂંટણી પંચનો છે અને તમે એમ પણ કહ્યું હતું કે, પોલિંગ ઓફિસર દ્વારા અપાયેલ રેકોર્ડમાં શકુની રાની નામની મહિલાએ બે વખત મતદાન કર્યું છે. જ્યારે અમે તપાસ કરી તો શકુની રાનીએ કહ્યું છે કે, તેમણે માત્ર એક વખત મતદાન કર્યું છે અને તમે (રાહુલ ગાંધી) બે વખત મતદાન કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. અમને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તમે જે માર્ક કરેલો દસ્તાવેજ દેખાડ્યો છે, તે દસ્તાવેજ પોલિંગ ઓફિસર દ્વારા જારી કરવામાં આવ્યો નથી, તેથી આપને વિનંતી છે કે, તમે જે દસ્તાવેજના આધારે દાવો કર્યો છે કે, શકુની રાની અથવા કોઈ અન્યએ બે વખત મતદાન કર્યું છે, તો તે દસ્તાવેજો અમને આપો, જેથી અમે તેની યોગ્ય તપાસ કરી શકીએ.’