ગુગલ મેપે ગોથે ચઢાવ્યા! નિર્માણધીન ઓવરબ્રિજ પર અટવાઈ પડી ગાડી

June 10, 2025

તાજેતરનો કિસ્સો યુપીના મહારાજગંજ જિલ્લાના ફરેંદા પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. ગોરખપુર-સોનૌલી હાઈવે પર એક ફ્લાયઓવર બની રહ્યો છે. ગુગલ મેપ્સની મદદથી મુસાફરી કરી રહેલા ત્રણ લોકો અચાનક ફ્લાયઓવર પર પહોંચી ગયા અને તેમની કાર બીજી બાજુ ફ્લાયઓવરના અધૂરા ભાગમાં પડી ગઈ. પરંતુ બધા અકસ્માતમાં બચી ગયા.

આ ઘટના રવિવારે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ બની હતી. લખનૌ નંબર પ્લેટવાળી એક કાર ગોરખપુરથી સોનાલી બોર્ડર તરફ જઈ રહી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવર ગુગલ મેપની મદદથી રસ્તો શોધી રહ્યો હતો, પરંતુ મેપ તેને સીધો નિર્માણાધીન ફ્લાયઓવર પર લઈ ગયો. ફ્લાયઓવરનો એક ભાગ પહેલેથી જ બની ગયો હતો, જ્યારે બીજા છેડે માટી નાખવાનું કામ ચાલી રહ્યું હતું. કાર તે અધૂરા ભાગ પર પહોંચતાની સાથે જ તે પુલની ધાર પર લટકી ગઈ.

ગુગલ મેપ્સ પર નિર્ભરતા અને બાંધકામ સ્થળ પર પૂરતા સંકેતોનો અભાવ અકસ્માતના મુખ્ય કારણો હોવાનું માનવામાં આવે છે. સદનસીબે કાર સમયસર બંધ થઈ ગઈ, નહીં તો મોટી દુર્ઘટના થઈ શકી હોત. હાલમાં પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. લોકોએ બાંધકામ એજન્સી અને વહીવટીતંત્રની બેદરકારી પર સવાલ ઉઠાવ્યા છે.