Grokએ અશ્લીલ કન્ટેન્ટ ફેલાવતા 600થી વધુ એકાઉન્ટ્સ ડિલીટ કર્યા

January 11, 2026

દિલ્હી ઃ ઈલોન મસ્કની માલિકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' (અગાઉનું ટ્વિટર) એ તેના AI ચેટબોટ 'Grok' દ્વારા જનરેટ કરાતી અશ્લીલ તસવીરો કે વીડિયોના વિવાદમાં ભારત સરકાર સમક્ષ ભૂલ સ્વીકારી લીધી છે. સૂત્રોના જણાવ્યાનુસાર, એક્સ દ્વારા ભારતીય કાયદાઓનું પાલન કરવાની ખાતરી આપી છે. આ કાર્યવાહીના ભાગરૂપે 'X' એ અત્યાર સુધીમાં લગભગ 3,500 પોસ્ટ્સ બ્લોક કરી છે અને 600થી વધુ એકાઉન્ટ્સ કાયમી ધોરણે ડિલીટ કરી દીધા છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે હવેથી પ્લેટફોર્મ પર કોઈપણ પ્રકારની અશ્લીલ સામગ્રી ચલાવી નહીં લેવાય.
આ સમગ્ર વિવાદ 'X' ના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ચેટબોટ 'Grok' થી શરૂ થયો હતો. Grok માં એક 'ઈમેજ જનરેશન' ફીચર હતું, જેનો ઉપયોગ કરીને યુઝર્સ અશ્લીલ અને આપત્તિજનક તસવીરો બનાવી રહ્યા હતા. ખાસ કરીને મહિલાઓની વાંધાજનક તસવીરો બનાવીને તેને પ્લેટફોર્મ પર શેર કરાતી હતી. આ બાબતે ભારત સરકારના આઈટી મંત્રાલયે કડક વલણ અપનાવીને 'X' ને નોટિસ પાઠવી હતી અને આવી સામગ્રી તાત્કાલિક હટાવવા અથવા કાયદેસરની કાર્યવાહીનો સામનો કરવા ચેતવણી આપી હતી. 

શરૂઆતમાં 'X' દ્વારા અપાયેલા જવાબોથી સરકાર સંતુષ્ટ નહોતી, પરંતુ હવે કંપનીએ સ્વીકાર્યું છે કે તેમની સિસ્ટમમાં ખામી હતી અને તેઓ હવે ભારતના ડિજિટલ કાયદા મુજબ કડક ફિલ્ટર્સ અમલમાં મૂકશે. આ મુદ્દો માત્ર ભારતમાં જ નહીં, પણ અમેરિકા, બ્રાઝિલ, ફ્રાન્સ, જર્મની અને મલેશિયા સહિતના દેશોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. આ દેશોએ Grok AI ચેટબોટ સામે તપાસની માંગ કરી છે. એટલું જ નહીં, અમેરિકાના સેનેટરોએ એપલ અને ગૂગલને પત્ર લખીને તેમના એપ સ્ટોર્સમાંથી એપને દૂર કરવાની માંગ કરી છે, જેના થકી વાંધાજનક તસવીરો સર્જી શકાય છે.