ગુજરાત પાસે પહેલીવાર મોકો આવ્યો, જેમાં ભાજપ-કોંગ્રેસથી છુટકારો મેળવી શકે છે : રાઘવ ચઢ્ઢા

November 22, 2022

ગુજરાતની ચૂંટણીમાં પોતાના વિજય રથ સાથે આગળ વધી રહેલી આમ આદમી પાર્ટી આજે ગુજરાતની જનતાની પ્રથમ પસંદ બની ગઈ છે. આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય નેતાઓથી લઈને કાર્યકર્તાઓ સુધી દરેક વ્યક્તિ ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે રાત-દિવસ કામ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢા છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મોટી જાહેર સભાઓ અને રેલીઓ કરી રહ્યા છે. આજે રાઘવ ચઢ્ઢાએ બનાસકાંઠાના કાંકરેજ અને પાટણમાં મોટી જનસભાઓમાં ભાગ લીધો હતો. આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત જનસભાઓમાં હજારો લોકોની સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લોકોના અભૂતપૂર્વ સમર્થનથી સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે ગુજરાતમાં પરિવર્તન આવવાનું છે.


આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ હજારોની સંખ્યામાં ઉપસ્થિત લોકોને સંબોધતા જણાવ્યું હતું કે, આજે ગુજરાત એક મહત્ત્વપૂર્ણ વળાંક પર આવીને ઊભું છે. આજે પહેલીવાર ગુજરાતની જનતા પાસે એક એવી તક આવી છે, જ્યારે તેમને ભાજપ-કોંગ્રેસથી છુટકારો મળી શકે છે અને એક ઇમાનદાર, શિક્ષિત અને કામ કરવાવાળી આમ આદમી પાર્ટીની સરકાર બનાવી શકે છે. દિલ્હીમાં 15 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીની સરકાર હતી. પરંતુ દિલ્હીની જનતાએ એકવાર પોતાનું મન બનાવી લીધું અને દિલ્હીમાંથી 15 વર્ષથી શાસન કરી રહેલી મજબૂત કોંગ્રેસ પાર્ટીને જડમૂળથી ઉખાડી ફેંકી. અને દિલ્હીના લોકોએ સ્વતંત્ર ભારતની સૌથી મોટી બહુમતી સાથે આમ આદમી પાર્ટીની સરકાર બનાવી.


એ જ રીતે પંજાબમાં 50 વર્ષ સુધી માત્ર બે પાર્ટીઓનું જ શાસન હતુ, કોંગ્રેસ અને અકાલી દળનું. પંજાબની જનતાએ પણ આ બંને પાર્ટીઓને મૂળમાંથી ઉખાડીને ફેંકી દીધું અને આમ આદમી પાર્ટીની સરકાર બનાવી. ગુજરાત એક અલગ રાજ્ય બન્યું ત્યારથી, તેમાં 35 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટી અને 27 વર્ષ સુધી ભાજપની સરકાર રહી. ભાજપ કોંગ્રેસના એ શાસનમાં તેમના દીકરા, દીકરીઓ અને તેમના પરિવારના સભ્યો મોટા લોકો બની ગયા, મોટી મોટી ગાડીઓ અને હવેલીઓ બની ગઈ અને તેમના મોટા ઉદ્યોગો બની ગયા. પરંતુ સામાન્ય લોકોને, ગરીબોને અને ખેડૂતોને આ સરકારોને કંઈ આપ્યું નથી.