ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ! જેઠા ભરવાડે કોંગ્રેસ નેતા સામે કર્યો 100 કરોડનો બદનક્ષીનો દાવો

September 26, 2023

પંચમહાલ: શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા સામે રૂ.100 કરોડનો બદનક્ષી વળતરનો દાવો દાખલ કર્યો છે. શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જે.બી.સોલંકી દ્વારા જેઠાભાઈ ભરવાડ સામે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. જે.બી.સોલંકી દ્વારા કોઇપણ પ્રકારના આધાર પુરાવા વિના જેઠાભાઈ ભરવાડ સામે સોશિયલ મીડિયા, વર્તમાન પત્રો તેમજ અન્ય પ્રચાર માધ્યમોમાં ખોટા આક્ષેપો કરતા જેઠાભાઈ ભરવાડ દ્વારા બદનક્ષીનો દાવો કરવામાં આવ્યો છે.
જેઠાભાઈ ભરવાડ દ્વારા શહેરા કોર્ટમાં જે.બી.સોલંકી સામે 01/2023 થી દાવો દાખલ કર્યો છે. દાવો દાખલ કરવામાં આવતા કોર્ટ દ્વારા દાવાના કામે જે.બી.સોલંકીને કોર્ટમાં હાજર થઈ જવાબ રજૂ કરવા નોટિસ પાઠવવા કોર્ટે હુકમ કર્યો છે. જે.બી સોલંકી એ દાવા સામે વળતો પ્રહાર કરતા સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે. જેમાં જેઠાભાઇની સામે અનેક ગંભીર ગુન્હાઓ નોંધાયા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. પંચમહાલ ડેરીમાં પણ કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. જે.બી.સોલંકીએ અંતિમ શ્વાસ સુધી જેઠાભાઇ ભરવાડ સામે લડી લેવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
સૌપ્રથમ જેઠાભાઈ ભરવાડ સમાજવાદી પાર્ટી તરફથી વિધાનસભાની ચુંટણી લડી વિજયી થયા હતા, ત્યારબાદ મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા અને ત્યારથી લઇ અત્યાર સુધી સતત 6 ટર્મથી તેઓ ભાજપમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઇ આવે છે, શહેરા તાલુકાની પ્રજામાં તેઓની લોકપ્રિયતા આજે પણ અકબંધ છે. વર્ષ 1998 થી જ કોંગ્રેસના નેતાઓ જેઠાભાઈને હરાવવા માટેના સપનાઓ સેવતા રહ્યા છે. ત્યારે વાડી તાલુકા પંચાયતના કોંગ્રેસના એકમાત્ર સભ્ય અને વિરોધ પક્ષના નેતા જશવંતસિંહ બળવંતસિંહ ઉર્ફે જે.બી. સોલંકી દ્વારા કોઈપણ જાતના આધાર પુરાવા વિના વાણી વિલાસ કરી અને ખોટી રીતે શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ વિરૂદ્ધ આક્ષેપો કરી સસ્તી લોકપ્રિયતા હાંસિલ કરવાના નિરર્થક પ્રયાસ શરૂ કર્યા હતા. જેના ભાગરૂપે જેઠાભાઈ ભરવાડ વિરુદ્ધ ખોટા આક્ષેપો કરી સોશિયલ મીડિયા પર વીડિયો બનાવી મુક્યા હતા.