મસૂરી હરિદ્વાર અને નૈનીતાલના રસ્તે બે દિવસથી ભારે ટ્રાફિકજામની સ્થિતિ, એક વૃદ્ધનું મોત

June 09, 2025

ઉત્તરાખંડમાં ખાસ કરીને મસૂરી હરિદ્વાર અને નૈનીતાલના રસ્તે ભારે ટ્રાફિકજામની સ્થિતિ બે દિવસમાં સર્જાઇ હતી. ખાસ કરીને મસૂરીમાં પ્રવાસીઓ વધી જતાં આવી સ્થિતિ સર્જાઇ હતી. કેટલાય કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી હતી. રવિવારે ટ્રાફિકજામ વચ્ચે સારવાર ન મળતાં એક વૃદ્ધનું મોત થયું હતું.

મેદાની વિસ્તારોમાં પડી રહેલી ભીષણ ગરમીના કારણે લોકો પહાડી વિસ્તારોમાં ફરવા આવી રહ્યા છે. સપ્તાહના અંતિમ દિવસોમાં મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી પડતાં ભારે ભીડ થઈ હતી. અમુક મિનિટોમાં પહોંચવાના બદલે અમુક કલાકો સુધી વાહનોમાં બેઠા રહ્યા બાદ માંડ વાહનો પસાર થતાં હતા.

મસૂરીમાં લાયબ્રેરી, દહેરાદૂન રોડ, પીકચર પેલેસ રોડ, અકાદમી માર્ગ, માલ રોડ, મોતીલાલ નેહરુ માર્ગ અને સ્થાનિક વિસ્તારોમાં ટ્રાફિક થયો હતો. સ્થાનિક રહીશોને પણ પરેશાની થઈ હતી. 62 વર્ષના કમલ કિશોર તેમના સંબંધીઓ સાથે મસૂરી ફરવા આવ્યા હતા. જામમાં ફસાયા બાદ તેમને સારવાર ન મળતાં મૃત્યુ થયું હતું. તેમની તબિયત અચાનક ખરાબ થયા બાદ ખાનગી વાહનમાં હોસ્પિટલ લઈ જમા આવી રહ્યા હતા પણ ટ્રાફિકજામમાં ફસાઈ જતાં સારવાર મળી શકી ન હતી.