ગાંધીનગરમાં ભારે પવનથી વિધાનસભાના ગુંબજનું પતરું ઉડ્યું

May 30, 2023

રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે ઠેર-ઠેર ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે. જેની અસર રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ જોવા મળી છે. આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે.

એટલું જ નહીં ગાંધીનગરમાં ભારે પવનના કારણે વિધાનસભાના ગુંબજને અસર થઈ છે. જેમાં ગુંબજનું પતરું ભારે પવનના કારણે ખુલી ગયું હતું. તેમજ પાછળના ભાગે પતરાનો એક બાજુનો ભાગ ખુલી ગયો છે. હાલમાં જ તૈયાર થયેલા વિધાનસભા ભવનમાં આ પ્રકારની ઘટનામાં કોઈને પણ જાનહાનિ કે ઈજા થઈ નથી.
 
જ્યારે બીજી તરફ ભારે પવનના કારણે ગાંધીનગરમાં ઠેર-ઠેર ઝાડ પડવાની પણ ઘટના બની છે. જેમાં ગાંધીનગરમાં નવા સચિવાલય સંકુલમાં વૃક્ષ ધરાશાયી થયા છે. વાવાઝોડાથી નવા સચિવાલયમાં બે વૃક્ષ ધરાશાયી થતાં તંત્ર દ્વારા ધરાશાયી વૃક્ષ દૂર કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.