ટોરંટોમાં બાંગ્લાદેશના હાઇ કમિશન સામે હિન્દુઓએ વિરોધ પ્રદર્શન

December 12, 2024

ટોરંટો: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારનો મુદ્દો હવે અન્ય દેશોમાં પણ ઉછળી રહ્યો છે. અગાઉ બ્રિટનની સંસદે હિન્દુઓ પર અત્યાચારને વખોડી કાઢ્યા હતા. જે બાદ અમેરિકાએ પણ બન્ને દેશોને

વાતચીતથી નિરાકરણ લાવવા કહ્યું હતું. એવામાં હવે અન્ય દેશોમાં વિરોધ પ્રદર્શન પણ શરૂ થયા છે. કેનેડામાં બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકાર સામે મોટા પાયે હિન્દુઓ રસ્તા પર ઉતર્યા હતા.

પ્રદર્શનકારીઓએ દાવો કર્યો હતો કે અત્યાચારોને પગલે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની જેમ બાંગ્લાદેશમાંથી પણ હિન્દુઓ ઘટી જશે.

કેનેડાના ટોરંટોમાં બાંગ્લાદેશના હાઇ કમિશન સામે હિન્દુઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાંથી કેટલાકે કહ્યું હતું કે બાંગ્લાદેશમાંથી હિન્દુઓનો સફાયો કરવા માટે તેમના પર ખુલ્લેઆમ હિંસા થઇ રહી

છે. આ હિંસા બાંગ્લાદેશની વચગાળાની સરકાર ચલાવી રહેલા મોહમ્મદ યુનુસ દ્વારા જ કરાઇ રહી છે. ભારતમાં પણ બાંગ્લાદેશનો મુદ્દો ચર્ચામાં છે. આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘે પણ ચિંતા વ્યક્ત

કરી હતી. આરએસએસએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા રોકવા માટે કડક પગલા લેવા માટે કેન્દ્ર સરકારને વિનંતી કરી હતી. સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ સુનીલ આંબેડકરે કહ્યું હતું કે

કેન્દ્ર સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓના રક્ષણ માટે કડક પગલા લેવા પડશે. નાગપુરમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં જે કઇ થઇ રહ્યું છે તેનાથી દરેક હિન્દુ ક્રોધિત થવો જોઇએ.

બીજી તરફ બાંગ્લાદેશે સ્વીકાર કર્યો હતો કે બાંગ્લાદેશમાંથી શેખ હસીનાના શાસનના અંત બાદથી લઇને અત્યાર સુધી હિન્દુઓ પર હુમલાની ૮૮ જેટલી ઘટનાઓ સામે આવી છે. યુનુસ સરકારના પ્રેસ

સેક્રેટરી શાફિકુલ આલમે કહ્યું હતું કે હિંસાની આ ઘટનાઓ મુદ્દે કુલ ૭૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બાંગ્લાદેશ જઇને આવેલા ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સંસદીય સમિતિને

જણાવ્યું હતું કે મારી આ મુલાકાત દરમિયાન બાંગ્લાદેશે હિંસા આચરનારાઓ સામે આકરા પગલા લેવાની ખાતરી આપી છે. આ અંગેની જાણકારી સમિતિના અધ્યક્ષ અને કોંગ્રેસના સાંસદ શશી થરૂરે

આપી હતી.

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર મુદ્દે ભારતમાં મુસ્લિમ સમુદાયના નેતાઓ અને મૌલવીઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે. ઉત્તરાખંડ મદરેસા એજ્યુકેશન બોર્ડના ચેરમેન મુફ્તી શમૂન કાસમીએ કહ્યું

હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર આઘાતજનક છે, આ પ્રકારના અત્યાચાર અને અન્યાય ન માત્ર અમાવીય છે સાથે સાથે શાંતિ અને ભાઇચારાના સિદ્ધાંતોની વિરુદ્ધમાં પણ છે.  બાંગ્લાદેશની

કોર્ટે ધરપકડ કરાયેલા ઇસ્કોનના પુજારી ચિન્મય દાસની જામીન અરજી પર વહેલા સુનાવણી કરવાની ના પાડી દીધી હતી. ચિન્મય દાસ સામેના કેસમાં તેમણે કરેલી જામીન અરજીની વહેલા સુનાવણી

માટે વકીલ રોબિન્દા ઘોસે અરજી કરી હતી, જોકે અન્ય વકીલે જજને કહ્યું હતું કે ચિન્મય દાસે ઘોસને તેમના વતી દલીલની મંજૂરી નથી આપી, જેથી કોર્ટે આ અરજીને રદ કરી હતી, હવે આ મામલે

બીજી જાન્યુઆરીએ સુનાવણી કરવામાં આવશે.