ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી અટવાયા, રીલ જોઈને રીયલ લાઈફ જોખમમાં મૂકી

January 31, 2026

છેલ્લા ત્રણ દિવસથી હિમાચલમાં થયેલી ભારે બરફ વર્ષાને કારણે હજ્જારો ગાડીઓ બરફીલા રસ્તાઓમાં ફસાયેલી છે અને તેમાં સંખ્યાબંધ ગુજરાતી પ્રવાસીઓ સિમલા, કુલ્લુ, મનાલી, સોલંગ, ધર્મશાલા અને ચંબામાં ફસાયાના સમાચાર છે. 26મી જાન્યુઆરીની સાથે શનિ-રવિની રજાને સેટ કરીને બરફ વર્ષાનો આનંદ લેવા ગયેલા ઉત્તર ભારતના હજ્જારો પ્રવાસીઓની સાથે અસંખ્ય ગુજરાતી પરિવારો પણ હાલમાં વીસ કિલોમીટર ટ્રાફિક જામ અને ખાધા-પીધા વિનાના ઠંડા હિમ રસ્તાઓનો સામનો કરી રહ્યા છે.

બે ફૂટના બરફના સ્તર અને બ્લેક આઈસમાં ફસાયેલી કતારબંધ ગાડીઓની બંધ હાલત અને તેમાંથી ઠંડીમાં બહાર આવીને કિલોમીટરો સુધી ચાલતા ચાલતાં જઈને ક્યાંક રહેવાની જેવી તેવી વ્યવસ્થાઓ શોધતાં પ્રવાસીઓના દ્રશ્યો હવે કુલ્લુ-મનાલીમાં સામાન્ય થઈ ગયા છે. જે લોકો ફસાઈ ગયા છે તે વારંવાર સોશિયલ મીડિયા પર અહીં ન આવવાની સલાહ આપી રહ્યા છે જેથી વધુ ધસારો ન થાય.

દિલ્હી, ઉત્તર પ્રદેશ, ચંડીગઢ, રાજસ્થાન, હરિયાણા અને ગુજરાતમાંથી સતત પ્રવાસીઓનો પ્રવાહ હિમાચલનો બરફ માણવા માટે સતત ધસી રહ્યો છે. અહીં કોઈપણ પ્રકારના આયોજન વિના આવનારા પ્રવાસીઓને કારણે અંદાજિત 5 હજારથી વધુ ગાડીઓ બરફમાં ફસાયેલી પડી છે.