જો વધુ 30 બેઠકો મળી હોત તો દેશમાં કોંગ્રેસની સરકાર હોત -ખડગે

July 25, 2025

મુંબઈ : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે (25 જુલાઈ) ઓબીસી મહાસંમેલનમાં સંબોધન દરમિયાન કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર સામાજિક ન્યાય મુદ્દાઓથી દૂર ભાગી રહી છે અને પછાત વર્ગને પોતાનો અધિકાર આપી રહી નથી. પીએમ મોદી ખોટી બોલવાની આદત ધરાવતા નેતા છે. તેમનો નારો હવે ‘સબકા સાથ, સબકા વિકાસ નહીં, પરંતુ ‘સબકા વિનાશ બની ગયો છે.
મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની પ્રશંસા કરતા કહ્યું કે, ‘રાહુલ ઉચ્ચ જાતિના છે, છતાં તેઓ પછાત, દલિત અને આદિવાસી સમાજ માટે આવાજ ઉઠાવી રહ્યા છે. તમે તેમની સાથે કેમ નથી ઉભા રહેતા? રાહુલ ગાંધી તમામ વર્ગના લોકો માટે લડી રહ્યા છે અને આ જ કોંગ્રેસની વિચારધારા છે.
ખડગેએ કહ્યું કે, વડાપ્રધાન મોદી શૈક્ષણિક રીતે પછાત અને વંચિત સમુદાયોને અનામત આપવાથી દૂર ભાગી રહ્યા છે. મોદી પહેલા ઉચ્ચ જાતિમાં હતા, પરંતુ મુખ્યમંત્રી બન્યા બાદ પોતાને પછાત વર્ગમાં સામેલ કરી દીધા. પીએમ મોદી પોતાને પછાત કહે છે, પરંતુ તેમના નિર્ણયો પછાત વર્ગના લોકો વિરુદ્ધના હોય છે.
ખડગેએ લોકસભા ચૂંટણી-2024ના પરિણામોનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે દાવો કર્યો કે, ‘જો વધુ 30 બેઠકો મળી હોત તો દેશમાં કોંગ્રેસ (Congress) સરકાર હોત. કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 સામાજિક ન્યાયના મુદ્દાઓ પર લડી હતી. જો કોંગ્રેસને 30 બેઠકો મળી ગઈ હોત તો અમે સરકાર બનાવી લીધી હોત.