જમ્મુ-કાશ્મીરમાં વરસાદની IMDની આગાહી, રાજસ્થાન અને દિલ્હીમાં ગરમીનો પ્રકોપ

April 21, 2025

દેશના ઉત્તરીય ભાગમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. ઉત્તરીયભાગમાં વાવાઝોડા સાથે વરસાદ જોવા મળ્યો જ્યારે પૂર્વીય વિસ્તારોમાં કેટલાક રાજ્યોમાં ગરમીથી રાહત ના મળી. જમ્મુકાશ્મીરમાં ભૂસ્ખલન દુર્ઘટનામાં જાનહાનિ થયાના સમાચાર સામે આવ્યા છે અને આજે પણ અનેક વિસ્તારોમાં તોફાન સાથે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જમ્મુકાશ્મીરમાં અનેક સ્થાનો પર ભારે વાવાઝોડા, વરસાદ અને કરા પડવાથી ભારે વિનાશ થયો છે. પહાડી રાજ્યોમાં સક્રિય પશ્ચિમી વિક્ષેપને કારણે, 22 એપ્રિલ સુધી તોફાન અને વરસાદની ચેતવણી ચાલુ રહેશે. હવામાન વિભાગે વીજળી અને ગાજવીજ અંગે પણ ચેતવણી જારી કરી છે.

IMD એ 21 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના ઘણા વિસ્તારો માટે રેલ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આજે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખમાં વાવાઝોડા, વીજળી અને ભારે પવન (70 કિમી પ્રતિ કલાકની ઝડપે) સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. 

IMDએ કુપવાડા, મુઝફ્ફરાબાદ, બાંદીપોરા, બારામુલ્લા, ગાંદરબલ, કિશ્તવાડ, રામબન અને બડગામ સહિત અન્ય વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જયારે પૂંછ, મીરપુર, રાજૌરી, અનંતનાગ, જમ્મુ, ઉધમપુર, કઠુઆ અને રિયાસીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. શ્રીનગરમાં મહત્તમ તાપમાન 23.4 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે.