જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ 'જન મહાભિયોગ' ચલાવાશે, વિપક્ષનું મોટું એલાન

October 25, 2026

પહેલી નવેમ્બરે રામલીલા મેદાનમાં 'દિલ્હી ચલો' મહારેલી

દિલ્હી ઃ દેશમાં ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીમાં કથિત ગરબડને લઈને વિપક્ષી દળોએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે મોરચો ખોલ્યો છે. 'ઇન્ડિયા' (I.N.D.I.A.) ગઠબંધન દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે જન મહાભિયોગ (પબ્લિક ઇમ્પીચમેન્ટ) લાવવાની જાહેરાત કરી છે. પહેલી નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાનારી વિશાળ રેલી પહેલાં, 30મી ઓક્ટોબરે દિલ્હીમાં એક વિશેષ 'મૉક પાર્લિયામેન્ટ' (સંસદ)નું આયોજન કરવામાં આવશે.

 


કોંગ્રેસના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલે જણાવ્યું છે કે, 'વોટ ચોરી' અને ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિઓના વિરોધમાં 'ઇન્ડિયા' ગઠબંધનના નેતાઓ 30મી ઓક્ટોબરે એકત્ર થઈને જન મહાભિયોગ ચલાવશે. દિલ્હીની અશોક હોટેલ અથવા અન્ય નિર્ધારિત સ્થળે યોજાનારી આ મૉક સંસદમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા માટે જનતાનો નિર્ણય જાહેરમાં સંભળાવવામાં આવશે. વિપક્ષનો આક્ષેપ છે કે એસઆઈઆર (SIR) પ્રક્રિયામાં થયેલી ગરબડોના કારણે મોટી સંખ્યામાં નાગરિકોના નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા છે, જેના દ્વારા ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ જ મુદ્દે વિપક્ષ સતત સીઈસીના રાજીનામાની માંગ કરી રહ્યો છે.


મૉક પાર્લિયામેન્ટના આયોજન બાદ આગામી પહેલી નવેમ્બરે 'વોટ ચોરી' વિરુદ્ધ 'દિલ્હી ચલો માર્ચ' કાઢવામાં આવશે. આ માર્ચ દિલ્હીના પ્રખ્યાત રામલીલા મેદાનમાં એક વિશાળ જનસભાઓ સાથે પૂર્ણ થશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગઠબંધનના તમામ પક્ષોનો સંપર્ક સાધીને પોતાના નેતાઓ અને કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં દિલ્હી ઉપસ્થિત રહેવા અપીલ કરવામાં આવી છે.