દિલ્હીમાં પ્રજાસત્તાક દિનની પરેડ ‘ઓપરેશન સિંદુર’ની થીમ ઉપરાંત રાફેલ-બ્રહ્મોસ મિસાઇલના ટેબ્લો જોવા મળશે

January 24, 2026

 આ વર્ષે 26મી જાન્યુઆરીના રોજ નવી દિલ્હી ખાતે યોજાનારી પરેડની થીમ ઓપરેશન સિંદુર ઉપર આધારિત હશે. જેમાં ભારતની દુશ્મન દેશોના ઘરોમાં ઘુસી જઇને પ્રહાર કરવાની ક્ષમતા દર્શાવતા રાફેલ વિમાનો અને સુખોઇ-30માંથી પ્રહાર કરાતી સુપરસોનિક બ્રહ્મોસ મિસાઇલના ટેબ્લો રજૂ કરવામાં આવશે.

પ્રજાસત્તાક દિને પાટનગરના કર્તવ્ય પથ પર પસાર થનારી પરેડમાં ભારતની આર્મી, નેવી અને રફોર્સનો એક સંયુક્ત ટેબ્લો રજૂ કરાશે જે  ભારતની નિર્ણાયક, સંયુક્ત અને આત્મનિર્ભર સૈન્ય શક્તિના યુગના આગમનનો મજબૂત દ્રઢ સંકેત રજૂ કરશે એમ અધિકારીઓએ શુક્રવારે કહ્યું હતું. સૈન્ય બાબતોના વિભાગ દ્વારા રજૂ કરાયેલો આ ટેબ્લો ‘ઓપરેશન સિંદૂર: સંયુક્તતાથી વિજય’ થીમ પર આધારિત છે અને ગયા વર્ષે હાથ ધરાયેલા આ ઓપરેશનમાં ભારતે મેળવેલા વિજય તેમજ નિર્ણાયક કાર્યવાહી દરમિયાન સશસ્ત્ર દળોની ત્રણેય શાખાઓએ દર્શાવેલી સંયુક્તતાનું પ્રદર્શન કરે છે, એમ તેમણે જણાવ્યું હતું.

આ ઝાંખી દેશની “વિકસિત સૈન્ય સિદ્ધાંત”નું પ્રભાવશાળી અને અધિકૃત પ્રતિનિધિત્વ કરે છે, જે ચોકસાઈ, એકીકરણ અને સ્વદેશી શ્રેષ્ઠતાની દિશામાં થયેલા નિર્ણાયક પરિવર્તનને દર્શાવે છે. વિગતવાર કલાત્મક રજૂઆત દ્વારા તેમાં દેશના અગ્રણી રક્ષણ મંચો દર્શાવવામાં આવ્યા છે, જેમાં રાફેલ લડાકુ વિમાનો, આકાશ એર ડિફેન્સ સિસ્ટમ, હારોપ લોઇટરિંગ મ્યુનિશન અને શક્તિશાળી S-400 સિસ્ટમનો સમાવેશ થાય છે, જેઓએ આ ઓપરેશન દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.