મણિપુરમાં મોદીએ જનતાને કહ્યું, શાંતિના રસ્તે ચાલીને પોતાના સપના પૂરા કરો

September 13, 2025

મણિપુર  : મણિપુરમાં મે, 2023થી હિંસા ફાટી નીકળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વખત રાજ્યના પ્રવાસે છે, ત્યારે પીએમ મોદી આજે શનિવારે (13 સપ્ટેમ્બર) મણિપુરના ચુરાચાંદપુર અને ઈમ્ફાલ પહોંચ્યા છે. વડાપ્રધાને હજારો કરોડની પરિયોજનાઓને લીલી ઝંડી આપી. આ દરમિયાન પીએમ મોદીએ મણિપુરની જનતાનો ઘણાં વખાણ કર્યા હતા. વડાપ્રધાને કહ્યું કે, 'હું અહીંની જનતાને સેલ્યુટ કરુ છું, એમના સાહસની કદર કરુ છું. હું તમારી સાથે છું, શાંતિના રસ્તે ચાલીને પોતાના સપના પૂરા કરો...'


પીએમ મોદીએ કહ્યું કે, 'મણિપુરની ધરતી હિંમતની ધરતી છે. આ હિલ્સ... પ્રકૃતિનું અનમોલ ઉપહાર છે, આ સાથે હિલ્સ તમારા બધાની નિરંતર મહેનતનું પ્રતિક છે. ભારે વરસાદ હોવા છતાં તમે બધા આટલી મોટી સંખ્યામાં અહીં આવ્યા છો, હું આપના પ્રેમ માટે તમારા બધાનો આભાર વ્યક્ત કરુ છું.' મણિપુર વિશે કહેતા વડાપ્રધાને કહ્યું કે, 'મણિપુરના નામમાં મણિ છે, આ એ મણિ છે જે આવનારા સમયમાં સમગ્ર ઉત્તર-પૂર્વની ચમક વધારશે. ભારત સરકારનો સતત પ્રયાસ રહ્યો છે કે, મણિપુરને વિકાસના માર્ગ પર ઝડપથી આગળ ધપાવે. આ સંદર્ભમાં હું આજે તમારા બધાની વચ્ચે આવ્યો છું. થોડા સમય પહેલા આ મંચ પરથી લગભગ 7 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ્સ મણિપુરના લોકો, અહીં પહાડીઓ પર રહેતા આદિવાસી સમાજનું જીવન વધુ સારું બનાવશે.' વડાપ્રધાન મોદીએ શાંતિનો સંદેશ આપતા કહ્યું કે, 'હું મણિપુરની જનતા સાથે છું. લોકોએ શાંતિના રસ્તે ચાલીને પોતાના સપના પૂરા કરવા જોઈએ, પોતાના બાળકોના સપનાઓ પૂરા કરવા જોઈએ. વિસ્થાપિત થયેલા પરિવારને પૂરી રીતે મદદ કરવામાં આવશે.'