Breaking News :
સૌરાષ્ટ્ર-દ. ગુજરાતમાં ભારે વરસાદ, સરદાર સરોવર ડેમ 65% ભરાયો, 777 નાગરિકોનું સ્થળાંતર અને NDRF-SDRFની 35 ટીમ તહેનાત મહિલાના પ્રજનન અધિકારો પર હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, 13 અઠવાડિયાના ગર્ભપાતને મંજૂરી મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી: વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ પશ્ચિમ એશિયામાં યુદ્ધ છતાં ભારતની ખાતર પુરવઠા શૃંખલા અકબંધ, 15 જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝની સામુદ્રધુની પાર કરી દેશ તરફ રવાના વૈશ્વિક પાસપોર્ટ સૂચકાંક 2026 જાહેર: ભારતનો પાસપોર્ટ વધુ નબળો પડ્યો, 197 દેશોની યાદીમાં 125મા ક્રમે ધકેલાયો દેશભરમાં ચોમાસાની મજબૂત આગેકૂચ: કેરળ, ઓડિશા અને ઝારખંડમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

ગૂગલ અને મેટા ઈડીના રડારમાં, ઓનલાઈન સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે સમન્સ

July 19, 2025

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ શનિવારે ટેક જાયન્ટ્સ ગૂગલ અને મેટા (ફેસબુક) ને સમન્સ પાઠવ્યા છે. EDની આ કાર્યવાહી ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી એપ્સના કેસમાં હાથ ધરવામાં આવી રહેલી તપાસનો એક ભાગ છે. બંને કંપનીઓના પ્રતિનિધિની 21 જુલાઈના રોજ પૂછપરછ કરવામાં આવશે. EDએ ઓનલાઈન સટ્ટાબાજી એપ્સ સંબંધિત કેસની તપાસના સંદર્ભમાં ગૂગલ અને મેટાને નોટિસ ફટકારી છે. એજન્સીનો આરોપ છે કે આ બંને કંપનીઓએ સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપ્યું હતું અને તેમના ડિજિટલ પ્લેટફોર્મ પર તેમની જાહેરાતો અને વેબસાઇટ્સને પ્રાધાન્ય આપ્યું હતું. જેના કારણે તેમની પહોંચ અને લોકપ્રિયતા ઝડપથી વધી અને આ ગેરકાયદેસર કામગીરી દેશભરમાં ફેલાઈ ગઈ. આ સમગ્ર કેસમાં પહેલી વાર એવું બન્યું છે કે ભારતમાં કાર્યરત કોઈ મોટી ટેક કંપનીને સટ્ટાબાજી જેવા મામલામાં સીધી રીતે જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. EDની આ કાર્યવાહી ઓનલાઈન સટ્ટાબાજી સામેના વ્યાપક અભિયાનનો એક ભાગ છે, જેમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સની ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્સને પ્રોત્સાહન આપવા બદલ તપાસ થઈ રહી છે. એવામાં EDના આ પગલાથી ખબર પડે છે કે તપાસ હવે મોટા પાયે થઈ રહી છે.  ED દેશભરમાં ઓનલાઈન સટ્ટાબાજી સામે કાર્યવાહી કરી રહી છે. તાજેતરમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેલંગાણાના ઘણા મોટા ફિલ્મ સ્ટાર્સ સામે કેસ નોંધ્યો હતો. તેમાં વિજય દેવરાકોંડાથી લઈને રાણા દગ્ગુબાતી અને પ્રકાશ રાજ જેવા નામોનો સમાવેશ થાય છે. કુલ 29 કલાકારો સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ ઉપરાંત, દેશભરમાં ઘણા ઓનલાઈન સટ્ટાબાજી નેટવર્ક્સ સામે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં ED દ્વારા તેમના નિવેદનો નોંધવામાં આવે તેવી અપેક્ષા છે, આ સાથે ED એવા ફરિયાદીઓને શોધી રહી છે જેમને આ સટ્ટાબાજી પ્લેટફોર્મ્સ દ્વારા છેતરવામાં આવ્યા હતા. દેશભરમાં ED ની કાર્યવાહી ચાલુ છે. 15 જુલાઈના રોજ, ED એ મુંબઈમાં ઘણી જગ્યાએ દરોડા પાડ્યા હતા. આ દરોડા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન સટ્ટાબાજી નેટવર્ક સામે કરવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન ટીમે 3 કરોડ રૂપિયાથી વધુની રોકડ અને ઘણી લક્ઝરી ઘડિયાળો તેમજ ઘણા વાહનો જપ્ત કર્યા હતા.