વડોદરામાં આજવા સરોવર તથા વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો

September 18, 2023

વડોદરામાં આજવા સરોવરની સપાટીમાં વધારો થયો છે. જેમાં સવારે 6 વાગ્યે સરોવરની સપારી 210.70 ફૂટ નોંધાઈ છે. તેમજ વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં પણ વધારો નોંધાયો છે. વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધીને 10.10 ફૂટે પહોંચી છે.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે આજવા સરોવરની સપાટીમાં વધારો થયો છે. સવારે 6:00 કલાકે આજવા સરોવરની સપાટી 210.70 ફૂટ નોંધાઈ છે. તથા વડોદરા શહેરને આજવા સરોવરમાં પાણીની આવક થતા તંત્રને હાશકારો થયો છે. શહેરના પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં હવે પાણીની તકલીફ રહેશે નહિ. તેમજ વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં પણ વધારો નોંધાયો છે. તેમજ સવારે 6:00 કલાકે વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધીને 10.10 ફૂટે પહોંચી છે.

વડોદરા સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ બીજી ઈનિંગનો ધમાકેદાર પ્રારંભ કર્યા બાદ ચારે તરફ પાણી પાણી જેવી સ્થિત રાતોરાત સર્જાઈ છે. ખાસ કરીને મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારો ભારે વરસાદ અને સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે પ્રભાવિત થયા છે. આવી સ્થિતિમાં ટ્રેન વ્યવહાર પર પણ અસર પડી રહી છે.

વડોદરાના પ્રતાપનગર અને કેવડિયા કોલોની(એકતા નગર) વચ્ચેના બે બ્રિજ પર પાણી ભયજનક સપાટીને વટાવી ગયા હોવાથી તકેદારીના ભાગરુપે વડોદરા અને એકતાનગર વચ્ચેની આઠ ટ્રનો રદ કરવામાં આવી છે. એકતાનગર રુટ પરની અન્ય ત્રણ ટ્રેનને આંશિક રીતે રદ કરવામાં આવી છે. જ્યારે રતલામ ડિવિઝનના અમરગઢ પંચપિપળિયા સ્ટેશનો વચ્ચે પણ ટ્રેકને નુકસાન થતા 17 ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. જયારે એક ટ્રેન રદ કરી દેવાઈ છે.