IND vs AUS: ગાબા ટેસ્ટનો પહેલો દિવસ વરસાદના કારણે ધોવાયો, બાકીના ચાર દિવસ માટે જાણો આગાહી

December 14, 2024

બ્રિસ્બેનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ હવે જોખમમાં મુકાઈ ગઈ છે. ગાબા ટેસ્ટના પહેલા દિવસની રમત વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. પહેલા દિવસે માત્ર 13.2 ઓવર જ રમાઈ શકી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલા દિવસે કોઈ પણ નુકશાન વિના 28 રન બનાવી લીધા છે. પહેલા દિવસે થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે ગાબા ટેસ્ટના બીજા દિવસે રમત અડધો કલાક વહેલી શરુ થશે. બીજા દિવસે એટલે કે રવિવારે 98 ઓવર નાખવામાં આવશે. જો કે, બીજા દિવસે પણ વરસાદનો ખતરો છે. ભારતીય ટીમે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. છઠ્ઠી ઓવરમાં પહેલી વખત વરસાદને કારણે રમત અટકાવામાં આવી હતી, પરંતુ થોડા સમય પછી રમત ફરી શરૂ થઈ હતી. આ પછી 14મી ઓવરમાં વરસાદ વધી ગયો હતો. જેણે આગામી બે સેશનને બરબાદ કરી દીધા હતા. ટી બ્રેક દરમિયાન વરસાદ બંધ થઈ રહ્યો હોય તેવું લાગતું હતું, પણ એવું કંઈ ન થયું. પહેલા દિવસે 88 ટકા વરસાદની આગાહી કરવામાં આવી હતી. આગામી ચાર દિવસ પણ વરસાદની આગાહી કરવામાં છે. ભારતીય ટીમ સીરિઝમાં લીડ મેળવવાના ઈરાદા સાથે ગાબાના મેદાનમાં ઉતરી હતી. રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે સતત બે મેડન ઓવર નાંખીને ગાબા ખાતે ભારતની ઇનિંગની શરૂઆત કરી હતી. પરંતુ પહેલા દિવસે વરસાદે રમતને બરબાદ કરી દીધી હતી. વરસાદના વિક્ષેપને કારણે બંને ટીમો ઘણી નિરાશ જોવા મળી હતી.