ભારત સૌથી ઝડપી વિકાસ દર ધરાવશે, વિશ્વની અર્થવ્યવસ્થા ધીમી થવાના અનુમાન:IMF

January 31, 2023

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ દ્વારા આજે વિશ્વની અર્થવ્યવસ્થા અને ભારતીય અર્થવ્યવસ્થાને લઈને મહત્વનું  નિવેદન આપ્યું છે. વિશ્વ અર્થવ્યવસ્થાના સંદર્ભમાં, IMFએ કહ્યું છે કે, વર્ષ 2023માં વૈશ્વિક વૃદ્ધિમાં પાછળના વર્ષ કરતા ઘટાડો નોંધવાની સંભાવના છે. IMF અનુસાર, વર્ષ 2023માં વિશ્વની અર્થવ્યવસ્થા 2.9 ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે.  વર્ષ 2022 માં, તેનો અંદાજ 3.4 ટકા હતો. બીજી તરફ, વર્ષ 2024 વિશે એક સારો અંદાજ લગાવાઈ રહ્યો છે કે, વિશ્વની અર્થવ્યવસ્થામાં ફરી એકવાર તેજી જોવા મળી શકે છે અને તે 3.1 ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે.  જો ભારતની અર્થવ્યવસ્થાની વાત કરીએ તો આ ત્રિમાસિક ગાળામાં ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા હોઈ શકે છે. ભારતની અર્થવ્યવસ્થા વર્તમાન ક્વાર્ટરમાં 6.8 ટકાના દરે વધી રહી છે, જે આગામી નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 6.1 ટકા રહેવાની શક્યતા છે. IMFના રિપોર્ટ અનુસાર, વર્ષ 2023 અને 2024માં એશિયામાં 5.3 ટકા અને 5.4 ટકાની વૃદ્ધિ નોંધાઈ શકે છે. એવું પણ કહેવાય રહ્યું છે કે, એશિયાનો વિકાસ ચીનના વિકાસ પર નિર્ભર રહી શકે છે.  2022 માં, ચીનમાં ઝીરો કોવિડ નીતિને કારણે, GDPમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને તે 4.3 ટકા પર પહોંચ્યો હતો. ચીનમાં, જાન્યુઆરી અને માર્ચ વચ્ચે GDPમાં ઘટાડો નોંધાઈ શકે છે અને તે 3.0 ટકા સુધી પહોંચી શકે છે.  આ પ્રથમ વખત છે કે છેલ્લા 40 વર્ષમાં ચીનનો GDP વિશ્વ અર્થવ્યવસ્થાના વિકાસ કરતાં ઓછો નોંધાયો છે. ચીનની અર્થવ્યવસ્થા વર્ષ 2023માં 5.2 ટકાના દરે વૃદ્ધિ કરી શકે છે.