ભારત 2024માં ક્વાડ શિખર સંમેલનની કરશે યજમાની, મોદીએ કરી જાહેરાત

May 20, 2023


હિરોશિમાઃ નરેન્દ્ર મોદીએ શનિવાર (20 મે) એ જાપાનના હિરોશિમામાં ક્વાડ (Quad)દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે બેઠક કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે અમને 2024માં ભારતમાં ક્વાડ શિખર સંમેલનની યજમાની કરવામાં ખુશી થશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બનીઝ અને જાપાની પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાની સાથે બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ કે, મને આ ક્વાડ સમિટમાં ભાગ લેતા ખુશી થઈ રહી છે. 

તેમણે કહ્યું કે ક્વાડ ગ્રુપ ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. તેમાં કોઈ શંકા નથી કે ઈન્ડો-પેસિફિક એ વેપાર, નવીનતા અને વૃદ્ધિનું એન્જિન છે. અમે સર્વસંમત છીએ કે ઈન્ડો-પેસિફિકની સુરક્ષા અને સફળતા માત્ર ક્ષેત્ર માટે જ નહીં પરંતુ વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. રચનાત્મક એજન્ડા સાથે, અમે સહિયારા લોકતાંત્રિક મૂલ્યોના આધારે આગળ વધી રહ્યા છીએ.


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે સંયુક્ત પ્રયાસોથી અમે મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિકના અમારા વિઝનને વ્યવહારુ પરિમાણ આપી રહ્યા છીએ. આ સમિટની સફળ અધ્યક્ષતા માટે હું ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનિસને અભિનંદન આપું છું. 2024માં ક્વોડ લીડર્સની સમિટની યજમાની કરીને ભારત ખુશ થશે. ક્વાડ એ ચાર દેશોનો સમૂહ છે જેમાં ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો સમાવેશ થાય છે.