ભારતીય અબજપતિની દીકરી યુગાન્ડાની જેલમાં કેદ, સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચ્યો મામલો!

October 20, 2024

દિલ્હી : ભારતના અબજોપતિ અને ઉદ્યોગપતિ પંકજ ઓસ્વાલની દીકરીની યુગાન્ડા પોલીસે આર્થિક અને ગુનાહિત પ્રવૃત્તિ આચરી હોવાના આરોપસર ધરપકડ કરી છે. આ મામલે પંકજ ઓસ્વાલે  યુનાઈટેડ નેશન્સને દખલગીરી કરવા અપીલ કરી છે. પંકજ ઓસ્વાલે દાવો કર્યો છે કે, તેની દીકરી વસુંધરા ઓસ્વાલની ગેરકાયદે અને ખોટા આરોપો હેઠળ અટકાયત કરવામાં આવી છે. યુગાન્ડામાં તેમના એક્સ્ટ્રા ન્યુટ્રલ આલ્કોહોલ પ્લાન્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. પંકજ ઓસ્વાલની દીકરી વસુંધરા પર પૂર્વ કર્મચારી દ્વારા આરોપો લગાવવામાં આવ્યા છે. અમુક મીડિયા રિપોર્ટ્સના મતે, વસુંધરાની એક શેફનું અપહરણ અને તેની હત્યા મામલે અને અન્ય લોકો સાથે ક્રિપ્ટો કરન્સી સ્કીમ સંબંધિત કથિત છેતરપિંડી કરી હોવાના આરોપસર ધરપકડ થઈ છે. જે 100 કલાકથી વધુ સમયથી પોલીસ કસ્ટડીમાં છે. પંકજ ઓસ્વાલે દાવો કર્યો છે કે, તેમની દીકરી પર તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. એક પૂર્વ કર્મચારીએ ખોટા આરોપો લગાવ્યા છે. તેણે કંપનીની મૂલ્યવાન સંપત્તિ ચોરી હતી અને તેમજ 2 લાખ ડોલરની લોન લીધી હતી. જેમાં ગેરેન્ટર તરીકે ઓસ્વાલ ફેમિલીએ ગેરેંટી આપી હતી. જે ચૂકવવાનો ઈન્કાર કરવાની સાથે તેણે વસુંધરા ઓસ્વાલ પર જ ખોટા આરોપો લગાવ્યા છે. પંકજ ઓસ્વાલે યુગાન્ડાના પ્રેસિડન્ટને પણ ઓપન લેટર મારફત આ મામલે ન્યાય આપવાની માગ કરી છે.