ભારતીય હોકી ટીમે સિંગાપોરને કારમી માત આપી, નોંધાવી 16-1થી શાનદાર જીત

September 26, 2023

એશિયન ગેમ્સમાં ભારતીય હોકી ટીમે ગ્રુપ સ્ટેજની બીજી મેચમાં સિંગાપોરને 16-1થી હરાવ્યું. ભારતે મેચમાં શરૂઆતથી જ લીડ જાળવી રાખી હતી. ભારતે પ્રથમ ક્વાર્ટરમાં 1 ગોલથી શરૂઆત કરી હતી. આ પછી પણ ટીમનો ગોલ કરવાનો સિલસિલો અટક્યો ન હતો અને ભારતે એક પછી એક ગોલ ફટકારીને શાનદાર જીત મેળવી હતી. કેપ્ટન હરમનપ્રીત સિંહે 4 ગોલ કર્યા હતા. મનદીપ સિંહે ગોલની હેટ્રિક નોંધાવી હતી.

આ પહેલા ભારતીય હોકી ટીમે ગ્રુપ સ્ટેજની પહેલી મેચમાં ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું હતું. આજે હરમનપ્રીત સિંહની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ સિંગાપોરને 16-1થી હરાવ્યું હતું. મેચમાં ભારત માટે પહેલો ગોલ મનદીપ સિંહે 13મી મિનિટે કર્યો હતો. પ્રથમ ક્વાર્ટરના અંત સુધીમાં ભારતે 1-0ની સરસાઈ હાંસલ કરી લીધી હતી. ત્યારબાદ બીજા ક્વાર્ટરની શરૂઆતમાં 16મી મિનિટે લલિત કુમારે ભારત માટે બીજો ગોલ કર્યો હતો.

આ પછી 22મી મિનિટે ગુજરંતે ટીમ માટે ત્રીજો ગોલ કર્યો હતો અને ત્યારબાદ 23મી મિનિટે વિવેક સાગર પ્રસાદે ટીમ માટે ચોથો ગોલ કર્યો હતો. ત્યારબાદ કેપ્ટન હરમનપ્રીત સિંહે સ્ટ્રાઈક કરીને ટીમના ખાતામાં પાંચમો ગોલ નોંધાવ્યો હતો. મનદીપ સિંહે 29મી મિનિટે પોતાનો બીજો અને ટીમનો છઠ્ઠો ગોલ કર્યો હતો. આ રીતે ભારતે ફર્સ્ટ હાફમાં 6-0ની લીડ મેળવી લીધી હતી.