કતારમાં ફાંસીની સજાથી બચી ગયેલા ભારતીય નેવી ઓફિસરની ફરી ધરપકડ

January 02, 2026

બહેન ડૉ. મીતુ ભાર્ગવની પીએમ મોદીને કરી અપીલ

દિલ્હી ઃ ભારતીય નેવીના નિવૃત્ત અધિકારી પૂર્ણેન્દુ તિવારીના પરિવાર પર ફરી એકવાર મુસીબત આવી પડી છે. વર્ષ 2022માં કતારમાં જે 8 પૂર્વ નેવીના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી, તેમાં પૂર્ણેન્દુ તિવારી પણ સામેલ હતા. જોકે, અન્ય 7 અધિકારીઓ સજા માફ થયા બાદ ભારત પરત ફર્યા હતા, પરંતુ પૂર્ણેન્દુ તિવારી કતારમાં જ રોકાઈ ગયા હતા. હવે સમાચાર છે કે તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી છે.


ગ્વાલિયરના રહેવાસી પૂર્ણેન્દુ તિવારીના બહેન ડૉ. મીતુ ભાર્ગવે 'x' પર એક પોસ્ટ કરીને પીએમ મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, 'મેં અગાઉ પણ મારા ટ્વીટ્સમાં સ્પષ્ટ કર્યું છે કે મારા ભાઈ કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીને કંપનીની નાણાકીય અનિયમિતતાઓ સાથે કોઈ લેવા-દેવા નથી. કંપનીના નાણાકીય વ્યવહારો અને કરારની જવાબદારીઓ માટે માત્ર અને માત્ર કંપનીના માલિક જ જવાબદાર હોય છે, તેથી કોઈપણ નાણાકીય ગેરરીતિ માટે માલિકને જ જવાબદાર ઠેરવવા જોઈએ. આટલી સ્પષ્ટતા છતાં, મારા ભાઈ કોઈ પણ વાંક વગર છેલ્લા એક મહિનાથી જેલમાં છે. કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીના બહેન તરીકે હું ફરી એકવાર પીએમ મોદી અને વિદેશ મંત્રીને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે, મહેરબાની કરીને આ બાબતમાં દખલગીરી કરો. મારા ભાઈને પરત લાવવાઅમારી મદદ કરો.'

ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2022માં કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર સંજીવ ગુપ્તા, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કમાન્ડર સુગુણાકર પાકલા, કમાન્ડર અમિત નાગપાલ અને નાવિક રાગેશની ધરપકડ કરવામાં આવી હતી . દરેક અધિકારીઓનો ભારતીય નેવીમાં 20 વર્ષ સુધીનો વિશિષ્ટ સેવા રેકોર્ડ છે. તેમજ તેમને સૈનિકોના પ્રશિક્ષણ સહિતના મહત્ત્વપૂર્ણ પદ પર પણ કામ કર્યું છે.