ઈઝરાયલની કાર્યવાહી : જહાજમાં રાહત સામગ્રી લઈને ગાઝા જતી ગ્રેટા થનબર્ગને અટકાયતમાં લીધી

June 09, 2025

ગાઝા તરફ આગળ વધી રહેલી પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગના જહાજને રસ્તાની વચ્ચોવચ રોકી દેવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ, ઈઝરાયલના નૌકાદળે જહાજને રસ્તા વચ્ચે રોકી ગ્રેટા થનબર્ગને ઈઝરાયલ લઈ ગયા છે. જહાજમાં થનબર્ગ સહિત 12 લોકો સવાર હતા. મેડલીન નામના આ જહાજથી ગાઝામાં માનવીય સહાય પહોંચાડવામાં આવી રહી હતી, જેનું સંચાલન ફ્રીડમ ફ્લોટિલા ગઠબંધન કરી રહ્યું હતું. મળતી માહિતી મુજબ, મેડલીનના સંચાલકોએ ટેલિગ્રામ દ્વારા જણાવ્યું હતું કે, IDF (ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ) સવારે આશરે 3 વાગ્યે જહાજ પર પહોંચી ગઈ હતી. અહીં હાજર તમામ લોકોની કથિત રૂપે ધરપકડ કરી લેવામાં આવી છે અને ઈઝરાયલી નૌકાદળે જહાજને અશદોદ પોર્ટ લઈ જઈ રહ્યા છે. આ પહેલા IDFએ અનુમાન લગાવ્યું હતું કે, જહાજ ઈઝરાયલી વિસ્તારમાં આશરે એક કલાક પહેલાં પહોંચી જશે. ઈઝરાયલની નૌકાદળે કથિત રૂપે મેડલીન સાથે સંપર્ક પણ સાધ્યો હતો અને પોતાનો રસ્તો બદલવાનો નિર્દેશ કર્યો હતો. ઈઝરાયલના સંરક્ષણ મંત્રીએ પર્યાવરણ કાર્યકર્તા ગ્રેટા થનબર્ગ અને અન્ય કાર્યકર્તાઓને લઈ જઈ રહેલી રાહત સહાયતા જહાજને ગાઝા પટ્ટી સુધી પહોંચતા અટકાવવાની વાત કરી હતી. સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કેટ્ઝે રવિવારે (8 જૂન) કહ્યું હતું કે, ઈઝરાયલ કોઈને પણ પેલેસ્ટાઇન વિસ્તાર પર પોતાના નૌસૈનિકોની નાકાબંધી તોડવાની મંજૂરી નહીં આપે, જેનો હેતુ હમાસના હથિયાર આયાતને રોકવાનો છે.  આ જહાજ ગત રવિવારે સિસિલીથી ગાઝાની સમુદ્ર નાકાબંધી તોડવા અને માનવીય સહાય પહોંચાડવાના મિશન સાથે રવાના થયું હતું. તેનો હેતુ પેલેસ્ટાઇન વિસ્તારમાં વધતા માનવીય સંકટ વિશે દુનિયાને જાગૃત કરવાનો પણ છે. કાર્યકર્તાઓએ કહ્યું હતું કે, તેમની આ યોજના રવિવારે જ ગાઝાના જળવિસ્તારમાં પહોંચવાની છે.