ISROનું 2026નું પ્રથમ મિશન નિષ્ફળ: ડિફેન્સ સેટેલાઇટ 'અન્વેષા' અંતરિક્ષમાં ખોવાયો

January 12, 2026

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO)ના વર્ષ 2026ના પ્રથમ અને અત્યંત મહત્વપૂર્ણ મિશનને મોટો ઝટકો લાગ્યો છે. PSLV-C62 રોકેટનું લોન્ચિંગ સફળતાપૂર્વક થયું હોવા છતાં, તે તેના મુખ્ય સેટેલાઇટ 'અન્વેષા' (EOS-N1)ને નિર્ધારિત ઓર્બિટમાં સ્થાપિત કરવામાં નિષ્ફળ રહ્યું છે. ત્રીજા તબક્કામાં આવેલી ખામીને કારણે રોકેટે તેની દિશા બદલી નાખી, જેના કારણે સમગ્ર મિશન નિષ્ફળ ગયું અને તમામ 16 ઉપગ્રહો અંતરિક્ષમાં ખોવાઈ ગયા.

આ મિશન 12 જાન્યુઆરીએ શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના ફર્સ્ટ લોન્ચ પેડ પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય DRDO દ્વારા વિકસિત અત્યાધુનિક અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ 'અન્વેષા'ને ઓર્બિટમાં સ્થાપિત કરવાનો હતો.

લોન્ચિંગના શરૂઆતના તબક્કાઓ સફળ રહ્યા હતા. જોકે, ત્રીજા સ્ટેજ (PS3)ના અંતમાં એક ગંભીર ખામી સર્જાઈ. આના કારણે લોન્ચનું ડેટા આવવામાં વિલંબ થવા લાગ્યો અને મિશન કંટ્રોલ સેન્ટરમાં સન્નાટો છવાઈ ગયો. ત્રીજા સ્ટેજ પછી, ચોથો સ્ટેજ શરૂ તો થયો પરંતુ તે પછી કોઈ અપડેટ મળ્યું નહીં અને સેટેલાઇટ રોકેટથી અલગ થઈ શક્યો નહીં.

મિશન નિષ્ફળ ગયા બાદ ISROના ચીફે એક નિવેદન જારી કરીને જણાવ્યું, "ત્રીજા સ્ટેજમાં સમસ્યા આવી અને દિશામાં પરિવર્તન થઈ ગયું. ડેટાનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે, જે પણ અપડેટ આવશે તે જણાવવામાં આવશે." ISROએ સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરીને જણાવ્યું કે, "PSLV-C62 મિશનમાં PS3 સ્ટેજના અંતમાં એક ગરબડ થઈ. તેની વિસ્તૃત તપાસ શરૂ કરી દેવામાં આવી છે."