પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરીને જસબીર સિંહનામના એક યુટ્યુબરને ઝડપી પાડ્યો

June 04, 2025

પહલગામ આતંકી હુમલા બાદ આતંકીઓ વિરુદ્ધ ભારત સરકાર કડક કાર્યવાહી કરી રહ્યુ છે. વિવિધ રાજ્યોમાં ખૂણેખૂણે તપાસ ચાલી રહી છે. એક બાદ જાસૂસો ઝડપાઇ રહ્યા છે. ત્યારે પાકિસ્તાનની કથિત જાસૂસ જ્યોતિ મલ્હોત્રા બાદ વધુ એક પાકિસ્તાની જાસૂસ ઝડપાયો છે. પંજાબ પોલીસની સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ દ્વારા પાકિસ્તાની જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરીને જસબીર સિંહનામના એક યુટ્યુબરને ઝડપી પાડ્યો છે.

પોલીસે જણાવ્યું કે રૂપનગરમાં રહેનાર જસબીર સિંહ પર પાકિસ્તાની જાસૂસી એજન્ટ શાકિર ઉર્ફ જટ્ટ રંધાવા સાથે સંબંધ હોવાનો આરોપ છે જે આતંકી સમર્થિત જાસૂસીના નેટવર્કનો એક ભાગ છે. પોલીસે જણાવ્યું કે હરિયાણાની જ્યોતિ મલ્હોત્રા અને પાકિસ્તાની નાગરિક અહેસાન ઉર રહીમ ઉર્ફ દાનિશ સાથે નજીકના સંબંધ હતા જે પાકિસ્તાની હાઇ કમિશનનો હાંકી કઢાયેલો અધિકારી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે જસબીર સિંહ દાનિશના નિમંત્રણ પર દિલ્હીમાં આયોજિત પાકિસ્તાન નેશનલ ડે સમારોહમાં ભાગ લીધો હતો. જ્યાં તેની મુલાકાત પાકિસ્તાની સેનાના અધિકારીઓ અને વ્લૉગર્સ સાથે થઇ. જસબીર 2020, 2021 અને 2024માં 3 વાર પાકિસ્તાન ગયો હતો. તેના ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં પાકિસ્તાન આધારિત અનેક ફોન નંબર મળી આવ્યા. જેની વિસ્તૃત ફોરેન્સિક તપાસ થઇ રહી છે.