મ્યાનમારમાં લોહિયાળ હુમલો, સેનાએ બોંબ ઝિંકતા હોસ્પિટલ નષ્ટ, 34 દર્દીના મોત, 80 ઈજાગ્રસ્ત

December 12, 2025

મ્યાંમારમાં સત્તા પર રહેલી સૈન્ય સરકારે બળવાખોર સંગઠનના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં આવેલી એક હોસ્પિટલ પર બોંબમારો કર્યો છે, જેમાં હોસ્પિટલ નષ્ટ થવા ઉપરાંત 34 દર્દીઓના મોત અને 80 લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

આ ઘટના પશ્ચિમી રાજ્ય રખાઇનના મ્રાઉક-યૂ ટાઉનશિપ માં બુધવારે રાત્રે 9.13 કલાકે બની હતી. અહેવાલો મુજબ, એક લડાકુ જેટે બે બોમ્બ ઝીંક્યા હતા, જેમાંથી એક સીધો હોસ્પિટલના રિકવરી વોર્ડ પર પડ્યો હતો. આ વિસ્તાર પર મુખ્ય બળવાખોર સશસ્ત્ર સંગઠન અરાકાન આર્મીનું નિયંત્રણ છે.

બચાવ સેવાના એક અધિકારીના જણાવ્યા મુજબ, બોમ્બ ધડાકાથી હોસ્પિટલની મોટા ભાગની ઈમારત ધ્વસ્ત થઈ ગઈ હતી. મ્યાનમારમાં ગૃહયુદ્ધના કારણે મોટાભાગની હોસ્પિટલો બંધ થઈ ગઈ છે, તેથી હુમલાગ્રસ્ત બનેલી હોસ્પિટલ રખાઇનના લોકો માટે આરોગ્ય સેવાનો મુખ્ય સ્ત્રોત હતી.