મુંબઈમાં ફૉરેનર યુવતી સાથે થયું ગેરવર્તન : સેલ્ફી પડાવવા માટે ટપોરીઓએ ૧૫ મિનિટ સુધી પીછો કર્યો, 2 સામે ફરિયાદ

February 28, 2026

મુંબઈની એક વિદેશી યુવતી સાથે સેલ્ફી લેવાના બહાને બે યુવકોએ ગેરવર્તન કર્યું હતું. યુવતીએ તેની સાથે થયેલા આ વર્તનનો એક વિડિયો શૅર કરતાં આગ્રીપાડા પોલીસે બે યુવકો વિરુદ્ધ કેસ નોંધી તેમની શોધખોળ શરૂ કરી હતી. અનેક સોશ્યલ મીડિયા યુઝર્સે ફૉરેનર્સ સાથે થતા આવા વર્તનને વખોડ્યું હતું અને મુંબઈ જેવા શહેરમાં જ્યાં અનેક ફૉરેનર્સ આવતા હોય છે ત્યાં આ રીતે તેમની સલામતી જોખમાય એવું વર્તન કરીને મુંબઈની ઇમેજ બગાડવા બદલ આવા ટપોરીઓની ટીકા કરી હતી.

મહાલક્ષ્મી વિસ્તારમાંથી પસાર થતી ફૉરેનર યુવતીનો પીછો કરીને એક યુવક તેની સાથે સેલ્ફી પડાવવા માટે કહે છે. યુવતી સ્પષ્ટ ના પાડે છે છતાં યુવક ૧૫ મિનિટ સુધી તેનો પીછો કરે છે અને સેલ્ફી પડાવવા માટે ગોરી મૅડમ, ગોરી મૅડમ કહીને પાછળ પડી જાય છે. એ દરમ્યાન એક બીજો યુવક પણ તેની સાથે જોડાય છે. યુવતી મહાલક્ષ્મી બ્રિજ પર પહોંચે છે ત્યારે પરિસ્થિતિ વણસતાં તે યુવકને ધક્કો મારીને દૂર કરે છે અને પોલીસને બોલાવશે એમ કહીને ચેતવે છે. એ પછી યુવકો ત્યાંથી ભાગે છે.

ગુરુવારે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ક્લિપ પોસ્ટ કરીને યુવતી કૅપ્શનમાં લખ્યું હતું કે ભારતમાં બે મહિના ગાળ્યા છે, પણ આવો અનુભવ પહેલી વાર જ થયો. યુવતીએ અનેક વાર ના પાડવા છતાં યુવકોના વિચિત્ર વર્તન માટે કહ્યું હતું કે ‘ના’ એક સંપૂર્ણ વાક્ય છે અને તમારી સલામતી હંમેશાં પ્રથમ આવે છે.